
ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનને જનભાગીદારી સાથે વધુ વેગ આપવા માટે દર રવિવારે ‘સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ’ યોજવામાં આવે છે. આ કાર્યક્રમના ભાગરૂપે ભાવનગર વિભાગ હેઠળના વિવિધ બસ સ્ટેશનો ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન બસ સ્ટેશન પરિસર, એસ.ટી. બસો તેમજ મુસાફરો માટે ઉપયોગમાં લેવાતા શૌચાલયોની સફાઈ કરવામાં આવી હતી. બસ સ્ટેશન પરિસરને સ્વચ્છ, સુઘડ અને કચરામુક્ત રાખવા માટે વિવિધ સ્થળોએ સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં એસ.ટી. વિભાગના કર્મચારીઓ, સફાઈ એજન્સીના કર્મચારીઓ તેમજ સ્થાનિક સંસ્થાઓના સભ્યો જોડાયા હતા.
મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે બસ સ્ટેશન પરિસરમાં લાઉડ સ્પીકર દ્વારા કચરો નિયત સ્થળે નાખવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં સ્વચ્છતા અભિયાન સાથે વૃક્ષારોપણ, તબીબી કેમ્પ અને રક્તદાન કેમ્પ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિઓના માધ્યમથી સ્વચ્છતા સાથે સામાજિક જવાબદારી અને જનભાગીદારીનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા ‘આપણું બસ સ્ટેશન–સ્વચ્છ બસ સ્ટેશન’ અને ‘આપણી બસ–સ્વચ્છ બસ’ના સંકલ્પને સાકાર કરવા મુસાફરોને કચરો નિયત સ્થળે નાખવા, બસ અને બસ સ્ટેશન પરિસર સ્વચ્છ રાખવા તથા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA