



- પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા અને શિક્ષણ મંત્રી તથા ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિ
ગાંધીનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિશાળ તિરંગા યાત્રાને પ્રારંભ કરાવતાં “હર ઘર તિરંગા” અભિયાનને “હર દિલ તિરંગા”નું જન આંદોલન બનાવવા આહવાન કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં તા. 9થી 17 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી તિરંગા યાત્રા રાષ્ટ્ર માટે સૌ પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપે તેવી અદમ્ય ચેતના જગાવતી યાત્રા બની રહિ છે.
ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ સંદર્ભમાં યોજાયેલી તિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં તિરંગા સાથે નાગરિકો ઉમટી પડ્યા હતા.
ગાંધીનગરના ગ-6 સર્કલથી શરૂ થયેલી તિરંગા યાત્રાના અક્ષરધામ મંદિર સુધીના કુલ 2.4 કિલોમીટરના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલિસ બેન્ડ અને નાસિક ઢોલ દ્વારા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. ઉપરાંત, પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલ ‘ડેરડેવિલ્સ શો’ સૌ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તિરંગા યાત્રાનો પ્રારંભ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ ધારાસભ્યો અને મુખ્યસચિવ એમ.કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓનું બલિદાન ચિરંજીવ રાખવા હર ઘર તિરંગા” અભિયાન દેશમાં શરૂ થયું છે.
તેમણે ઉમેર્યુ કે, તિરંગા યાત્રા એ દેશની એકતા અને અખંડિતતાની યાત્રા છે અને જ્યારે આપણે હાથમાં તિરંગો અને હ્રદયમાં ભારત ભક્તિ લઈને આ યાત્રામાં જોડાઈએ છીએ ત્યારે “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો વડાપ્રધાન મોદીએ આપેલો વિચાર સાકાર થાય છે.
આજની પેઢી આઝાદીના લડવૈયાઓના ત્યાગ, તપસ્યા અને બલિદાનને જાણે તથા એમના જીવન કવનથી પ્રેરણા લઈ રાષ્ટ્ર પ્રથમની ભાવના આ પેઢીમાં કેળવાય તેવો ભાવ આ તિરંગા યાત્રામાં નિહિત છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, આપણે વિકસિત ભારત 2047 માટે આ તિરંગા યાત્રાથી અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવાનું છે. એટલુ જ નહિ, દેશ માટે જીવી જાણવાની અને ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરવાની જે તક મળી છે તેને રાષ્ટ્ર પ્રથમના સંકલ્પથી પાર પાડવાની છે.
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજ માત્ર ત્રણ રંગોનું કાપડ નથી, પરંતુ તે આપણા રાષ્ટ્રીય ગૌરવ, એકતા, અખંડિતતા અને અપ્રતિમ શૌર્યનું અમર પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી આહ્વાનથી શરૂ થયેલું 'હર ઘર તિરંગા' અભિયાન આજે જન-જનના હૃદયમાં દેશભક્તિની અમર જ્યોત પ્રજ્વલિત કરી રહ્યું છે. ગાંધીનગરમાં યોજાઈ રહેલી આ ઐતિહાસિક તિરંગા યાત્રા દ્વારા આપણે સૌ 'રાષ્ટ્ર પ્રથમ'ના પવિત્ર સંકલ્પને વધુ મજબૂત બનાવીએ અને દેશની એકતા તથા અખંડિતતા માટે પુનઃ પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ તેવો વિશ્વાસ મેયરએ વ્યક્ત કર્યો હતો.
દેશભક્તિના રંગે રંગાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરી હતી.
આ યાત્રામાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, રીટાબેન પટેલ, જે.એસ. પટેલ, ગુજરાત બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, પ્રદેશ સંગઠન મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ગાંધીનગર શહેર સંગઠન પ્રમુખ આશિષભાઈ દવે, ગાંધીનગર જિલ્લા સંગઠન પ્રમુખ અનિલભાઈ પટેલ, મહેસૂલ વિભાગના અગ્ર મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, અગ્ર સચિવ સંજીવ કુમાર, ગાંધીનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, દંડક સેજલબેન પરમાર, ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર જે. એસ. પ્રજાપતિ, કલેક્ટર રવીન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. બ્રહ્મભટ્ટ, CRPFના DIG ધર્મેન્દ્ર સિંહ, રેન્જ IG વીરેન્દ્રસિંહ યાદવ આ ઉપરાંત અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગાંધીનગરવાસીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ