





કચ્છ, 10 ઓગસ્ટ (હિ.સ.) : ભુજના ટાઉનહોલ ખાતે રવિવારની સાંજે ભારતીય વાયુસેનાના બેન્ડ દ્વારા યોજાયેલી ભવ્ય સંગીતમય રજૂઆતમાં દેશભક્તિ, સંગીત અને રાષ્ટ્રગૌરવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વાયુસેનાના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ સંગીત રચનાઓએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન ટાઉનહોલમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, અધિકારીઓ, સૈનિકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
વાયુસેના બેન્ડે પોતાની શાનદાર રજૂઆતમાં સૈન્ય સંગીતની ગૌરવશાળી પરંપરા સાથે લોકપ્રિય સંગીત અને દેશભક્તિના ગીતોને સ્થાન આપ્યું હતું. વાદ્ય સંગીતની તાલબદ્ધ રજૂઆત, કલાકારોની અદભુત સંગીત પ્રતિભા અને શિસ્તબદ્ધ પ્રદર્શનને કારણે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. ખાસ કરીને દેશભક્તિની ધૂન શરૂ થતાં જ દર્શકોએ ઉત્સાહપૂર્વક તાળીઓ પાડી કલાકારોને વધાવી લીધા હતા.
આ કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એર વાઈસ માર્શલ જી.એસ. ભુલર, એર ફોર્સ સ્ટેશન ભુજના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર કે.પી.એસ. ધામ, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, BSF કચ્છના ડીઆઈજી યોગેન્દ્રસિંહ રાઠોડ તથા કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. મોહન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રજૂઆત દરમિયાન વાયુસેના બેન્ડની સંગીતક્ષમતા સાથે તેમની તાલમેલ, ચોકસાઈ અને શિસ્તનો પણ સુંદર પરિચય મળ્યો હતો. કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતા સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો માધ્યમ બન્યો હતો.
ધારાસભ્ય કેશુભાઈ પટેલે વાયુસેના બેન્ડના કલાકારોની પ્રતિભા અને અસરકારક રજૂઆતની પ્રશંસા કરી હતી. તેમણે રાષ્ટ્રીય પર્વો તથા જનસંપર્કના કાર્યક્રમોમાં આવા બેન્ડની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. ભુજમાં યોજાયેલ આ સંગીતમય સાંજ અંતે દેશભક્તિની લાગણી અને રાષ્ટ્રગૌરવની યાદગાર છાપ છોડી ગઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar