ધાર્મિક વિધિના બહાને દાગીના-રોકડ પડાવી લેતી ‘લોટા ગેંગ’ ઝડપાઈ, રૂ. 4.64 લાખનો મુદ્દામાલ કબજે
કચ્છ, 10 ઓગસ્ટ (હિ.સ.) : ધાર્મિક વિધિ કરાવવાના બહાને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનો વિશ્વાસ જીતી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ પડાવી ફરાર થઈ જતી કથિત ‘લોટા ગેંગ’નો પૂર્વ કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે. રાપર અને આડેસર પોલીસ મથક વિસ્તારમાં બનેલી છેતરપિ
ધાર્મિક વિધિના બહાને ચોરી કરનાર આરોપીઓ


ધાર્મિક વિધિના બહાને ચોરી કરનાર આરોપીઓ


ધાર્મિક વિધિના બહાને ચોરી કરનાર આરોપીઓ


કચ્છ, 10 ઓગસ્ટ (હિ.સ.) : ધાર્મિક વિધિ કરાવવાના બહાને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનો વિશ્વાસ જીતી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ પડાવી ફરાર થઈ જતી કથિત ‘લોટા ગેંગ’નો પૂર્વ કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે. રાપર અને આડેસર પોલીસ મથક વિસ્તારમાં બનેલી છેતરપિંડીની ઘટનાઓની તપાસ દરમિયાન પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડીને તેમની પાસેથી કુલ રૂ. 4.64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, ધાર્મિક વિધિના નામે લોકો પાસેથી કિંમતી દાગીના અને રોકડ રકમ મેળવી ત્યારબાદ આરોપીઓ સ્થળ પરથી નાસી જતા હોવાની ફરિયાદો સામે આવી હતી. આ બનાવોને ગંભીરતાથી લઈ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. વાળા, આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી. આચાર્ય અને રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

પોલીસ ટીમોએ ટેકનિકલ માહિતી તેમજ માનવ સૂત્રોની મદદથી તપાસ આગળ ધપાવી હતી. સતત મળતી માહિતીના આધારે પોલીસે શિવનગર, થરાદ ખાતે રહેતા નરેશનાથ ચમનનાથ નાથબાવા (28), આંબાનાથ સુરમનાથ નાથબાવા (29) અને રમેશનાથ હમીરનાથ નાથબાવા (39)ને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓ પાસેથી સોનાના થોરીયા, સોનાનો પારો ધરાવતી ચાંદીની સાકળ, ચાંદીની સાકળ, સોનાનું સોક પગલું, સોનાનું થોરીયું, ચાંદીની ચેન તેમજ રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સફેદ રંગની સ્વિફ્ટ કાર પણ પોલીસે કબજે કરી છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 4,64,600 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ મામલે રાપર પોલીસ સ્ટેશન અને આડેસર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસ હવે આરોપીઓએ આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય કોઈ વિસ્તારોમાં પણ છેતરપિંડી કરી છે કે કેમ તેમજ તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ધાર્મિક વિધિની વાત કરી લોકોને વિશ્વાસમાં લેતી અને વિધિ માટે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની માંગણી કરતી હતી. લોકો વિશ્વાસમાં આવ્યા બાદ કિંમતી સામાન મેળવી આરોપીઓ ત્યાંથી નાસી જતા હોવાનો આરોપ છે. પોલીસે લોકોને અજાણ્યા વ્યક્તિઓના આવા ધાર્મિક વિધિના પ્રલોભનથી સાવચેત રહેવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande