
સુરત, 10 ઓગસ્ટ (હિ.સ.) : સુરત નવી સિવિલ હોસ્પિટલના પીજી હોસ્ટેલમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના કેસમાં તપાસ દરમિયાન રેગિંગનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા હર્ષને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની વિગતો સામે આવ્યા બાદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તંત્રએ 4 સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. ચારેયને હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રાખવામાં આવ્યા છે.
મૂળ અરવલ્લીના મોડાસાના વતની ડૉ. હર્ષ પંડ્યા સુરત સરકારી મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા અને રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા. 9 ઓગસ્ટે તેઓ નિયમિત ફરજ પર હાજર ન થતાં સિનિયર ડૉક્ટરે ફોન કર્યો હતો. ફોન બંધ આવતાં સાથી રેસિડેન્ટ ડૉક્ટરને હોસ્ટેલના રૂમમાં તપાસ કરવા મોકલવામાં આવ્યા હતા.
રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી સુરક્ષા કર્મચારીઓની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. અંદર ડૉ. હર્ષ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ તેમજ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક તપાસ સમિતિ રચી 24 કલાકમાં રિપોર્ટ આપવા સૂચના આપી હતી. તપાસ દરમિયાન સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા રેગિંગ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે.
ડૉ. હર્ષના પિતાએ પણ અગાઉ જણાવ્યું હતું કે તેમના પુત્રને સિનિયરો તરફથી થોડી તકલીફ રહેતી હોવાની વાત તે કરતો હતો. હર્ષની થોડા સમય પહેલાં જ સગાઈ થઈ હતી અને ડિસેમ્બરમાં લગ્ન યોજાવાના હતા.
ખટોદરા પોલીસે ડૉ. હર્ષનો મોબાઇલ ફોન અને લેપટોપ કબજે કરીને તપાસ શરૂ કરી છે. સાથે જ એફએસએલ દ્વારા રૂમમાંથી સંભવિત પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોલીસ અને મેડિકલ કોલેજ તંત્ર દ્વારા રેગિંગ ઉપરાંત અન્ય તમામ પાસાંઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ડૉ. હર્ષના આપઘાત બાદ સામે આવેલા રેગિંગના આક્ષેપોએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટરોની સુરક્ષા અને કાર્યસ્થળના વાતાવરણ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે તપાસના અંતિમ અહેવાલ પર સૌની નજર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે