જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય સ્તરે ૨૯મું અને 'કારકિર્દી પ્રગતિ અને પ્લેસમેન્ટ'માં ૧૦મું સ્થાન મેળવ્યું
જુનાગઢ 11 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ,તા. ૧૧ ''એમડીઆરએ–ઇન્ડિયા ટુડે યુનિવર્સિટી રેન્કિંગ્સ ૨૦૨૬ (MDRA-India Today Rankings 2026)'' ની નવીનતમ આવૃત્તિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તરે દેશની શ્રેષ્ઠ સામાન્ય સરકારી યુનિવર
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય સ્તરે ૨૯મું અને 'કારકિર્દી પ્રગતિ અને પ્લેસમેન્ટ'માં ૧૦મું સ્થાન મેળવ્યું


જુનાગઢ 11 ઓગસ્ટ (હિ.સ.)

જૂનાગઢ,તા. ૧૧ 'એમડીઆરએ–ઇન્ડિયા ટુડે યુનિવર્સિટી રેન્કિંગ્સ ૨૦૨૬ (MDRA-India Today Rankings 2026)' ની નવીનતમ આવૃત્તિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તરે દેશની શ્રેષ્ઠ સામાન્ય સરકારી યુનિવર્સિટીઓમાં ૨૯મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિની સાથે યુનિવર્સિટીએ ગુજરાતની સામાન્ય સરકારી યુનિવર્સિટીઓમાં પ્રથમ સ્થાન અને રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં બીજું સ્થાન મેળવી પોતાની શ્રેષ્ઠ શૈક્ષણિક અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાને વધુ સુદ્રઢ બનાવી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ પોતાના રાષ્ટ્રીય ક્રમાંકમાં સતત સુધારો નોંધાવ્યો છે. વર્ષ ૨૦૨૪માં ૩૧મા ક્રમે અને વર્ષ ૨૦૨૫માં ૩૦મા ક્રમે રહ્યા બાદ, વર્ષ ૨૦૨૬માં સુધારો કરીને ૨૯મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ વર્ષની રેન્કિંગમાં યુનિવર્સિટીએ ૨૦૦૦માંથી કુલ ૯૯૬ ગુણ મેળવ્યા છે.

ભાગ લેનાર યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન પાંચ મુખ્ય માપદંડોના આધારે કરવામાં આવ્યું હતું. જેમા પ્રતિષ્ઠા અને સુશાસન, શૈક્ષણિક અને સંશોધન શ્રેષ્ઠતા ,માળખાકીય સુવિધાઓ અને જીવન અનુભવ,વ્યક્તિત્વ અને નેતૃત્વ વિકાસ અને કારકિર્દી પ્રગતિ અને પ્લેસમેન્ટ. આ મૂલ્યાંકનમાં, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ 'કારકિર્દી પ્રગતિ અને પ્લેસમેન્ટ' (Career Progression & Placement) માપદંડ હેઠળ ૧૩૮.૭ ગુણ મેળવીને સમગ્ર ભારતમાં ૧૦મું સ્થાન મેળવ્યું છે. આ સિવાય અન્ય તમામ માપદંડોમાં પણ યુનિવર્સિટીએ પોતાની કામગીરીમાં સરાહનીય સુધારો દર્શાવ્યો છે.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયાએ તમામ શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓમાં સતત પ્રોત્સાહન અને સહયોગ આપવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે યુનિવર્સિટીના તમામ અધ્યાપકો અને વૈજ્ઞાનિકોની મહેનતને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ યુનિવર્સિટી આવી અનેક નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તે માટે સૌને સંકલિત થઈને કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande