



પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના
અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના કોર્પોરેટરો સાથે ‘હર ઘર તિરંગા-2026’ અંતર્ગત
મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને વધુ વ્યાપક અને
જનભાગીદારી આધારિત બનાવવાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર
સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ને માત્ર સરકારી કાર્યક્રમ પૂરતો સીમિત
ન રાખીને દરેક વોર્ડ અને દરેક પરિવારનું જન અભિયાન બનાવવાનું આયોજન છે. સરકારની
માર્ગદર્શિકા મુજબ તા. 17 ઓગષ્ટ સુધી ‘હર ઘર તિરંગા-વંદે માતરમના 150 વર્ષ’ થીમ
અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. મેયર સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે, પોરબંદરનું એક
પણ ઘર તિરંગા વગર ન રહે તે માટે દરેક કોર્પોરેટરઓએ પોતાના વોર્ડની જવાબદારી સંભાળી
ડોર-ટુ-ડોર અભિયાનનું નેતૃત્વ કરવા, કોર્પોરેટરોને
સ્થાનિક ટીમ સાથે ઘરે-ઘરે જઈ તિરંગાનું વિતરણ કરવા તેમજ દરેક પરિવારને પોતાના ઘરે
સન્માન અને ગૌરવપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રેરિત કરવા સૂચના આપવામાં આવી
હતી. આ ઉપરાંત નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને તિરંગા પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત
બને તે માટે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગા સાથે સેલ્ફી લેવા પણ મેયર એ અપીલ કરી હતી.
દરેક કોર્પોરેટરને પોતાના વોર્ડમાં સક્રિય રીતે કામગીરી કરી દરેક પરિવાર સુધી
તિરંગો પહોંચાડવા અને ‘હર ઘર તિરંગા’ અભિયાનને પોરબંદર મહાનગરપાલિકામાં
જનભાગીદારીનું વ્યાપક સ્વરૂપ આપવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષભાઈ
શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા,
‘હર ઘર તિરંગા’ અભિયાનના નોડલ ઓફિસર આરતીબેન ત્રિવેદી સહિત મહાનગરપાલિકાના
વિવિધ વોર્ડના કોર્પોરેટરઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya