
ભાવનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા સ્નેચિંગના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના સહિત કુલ રૂ. 3.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂ. 1.02 લાખની કિંમતના સોનાના દાગીનાનો સમાવેશ થાય છે.
એલ.સી.બી. પોલીસ સ્ટાફ ગારીયાધાર વિસ્તારમાં મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓના શકમંદોની તપાસ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ગારીયાધાર-પરવડી રોડ પર રતનવાવ ગામના પાટીયા પાસે સફેદ રંગની સ્વીફ્ટ કાર નંબર GJ-05-JH-1720માં કેટલાક શખ્સો શંકાસ્પદ સોનાના દાગીના સાથે હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં પાંચ વ્યક્તિઓ મળી આવ્યા હતા.
પોલીસે તેમની પાસેથી સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરી દાગીના અંગે બિલ કે આધાર રજૂ કરવા જણાવતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ વધુ પૂછપરછ કરતાં આરોપીઓએ આશરે સાત દિવસ પહેલાં ગારીયાધાર તાલુકાના પરવડી ગામેથી એક વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની પોખા ઝૂંટવી લીધી હોવાની કબૂલાત કરી હતી. તેમજ આશરે પાંચ દિવસ પહેલાં રાજસ્થાનમાં પણ એક વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાનો કાપ કાઢી લીધો હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે સુનિલભાઈ ચુડાસમા, અશ્વિનભાઈ સોલંકી, મનસુખભાઈ ચુડાસમા, ઈશ્વરભાઈ વણોદિયા અને અનુબેન સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને ગારીયાધાર પોલીસ મથકે સોંપી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA