


પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં અષાઢ વદ ચૌદશના પવિત્ર ‘દિવાસા’ પર્વે સમસ્ત દેવીપૂજક સમાજ દ્વારા હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી સ્મશાનભૂમિમાં સ્વર્ગસ્થ સ્વજનોને શ્રદ્ધાપૂર્વક અંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાતભરમાંથી 30થી વધુ બસોમાં શ્રદ્ધાળુઓ પાટણ પહોંચ્યા હતા.
દેવીપૂજક સમાજની પાટણ સાથે ઐતિહાસિક આસ્થા જોડાયેલી છે. સમાજના અનેક પૂર્વજોની અંતિમક્રિયા પાટણમાં થઈ હોવાથી દેશ-વિદેશમાં વસતા લોકો અસ્થિકુંભ પાટણ લાવી અહીં પ્રથમ દિવાસો ઉજવે છે અને ત્યારબાદ અમાસે પોતાના વતનમાં ઉજવણી કરે છે.
હડકમાઈ માતાજીના મંદિર અને પીતાંબર તળાવ નજીક આવેલી સ્મશાનભૂમિમાં દીવા-અગરબત્તી, ફૂલહાર અને નાળિયેર અર્પણ કરી પૂર્વજોને યાદ કરવામાં આવ્યા હતા. સાત પેઢીથી ચાલતી આ પરંપરા નવી પેઢી સુધી પહોંચે તે માટે સમાજના આગેવાનો દ્વારા વિવિધ સેવાકીય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી.
અમદાવાદ નરોડા ફ્રૂટ માર્કેટની યુવા ટીમ અને સ્થાનિક આગેવાનો દ્વારા છેલ્લા 15 વર્ષથી નિઃશુલ્ક સેવા કેમ્પ યોજાય છે. આ વર્ષે પણ 20થી 25 હજાર યાત્રાળુઓ માટે મહાપ્રસાદ, પાણી, નાસ્તો અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ