



પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર શહેરમાં દિવાસો અને દશામાના વ્રત-પૂજનને લઈને તહેવારી માહોલ જામ્યો છે. ઝાંપલીપોળથી સ્ટેશન રોડ સુધીના મુખ્ય બજારોમાં દશામાની મૂર્તિઓ, પૂજાપો અને ધાર્મિક સામગ્રીની ખરીદી માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
ખાસ કરીને સાંજના સમયે બજારમાં ભીડમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ વ્રત-પૂજનની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે, જ્યારે મૂર્તિઓ અને પૂજાની સામગ્રીના સ્ટોલ તેમજ દુકાનો પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
શ્રદ્ધાળુઓની વધતી ભીડ સાથે વાહનોની અવરજવર પણ વધી જતાં ઝાંપલીપોળથી સ્ટેશન રોડ સુધીના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે. માર્ગની બંને બાજુ વાહનો પાર્ક થતાં વાહનચાલકોને પણ ધીમે ગતિએ પસાર થવાની ફરજ પડી રહી છે.
તહેવારોને લઈને વેપારીઓમાં પણ ખરીદી વધવાની આશા જોવા મળી રહી છે. બીજી તરફ, બજારમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવા જરૂરી આયોજન કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ