
ભાવનગર,11 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓના શકમંદોની તપાસ દરમિયાન ચોરાયેલું જે.સી.બી. ઝડપી પાડી ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે. એલ.સી.બી.એ રૂ.25.30 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા.
એલ.સી.બી. પોલીસ સ્ટાફ મહુવા વિસ્તારમાં તપાસમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ત્રણ શખ્સો નંબર પ્લેટ વગરનું પીળા રંગનું જે.સી.બી. લઈને હાઇવે પરથી નેસવડ ચોકડી તરફ જતા રસ્તાની ડાબી બાજુ ઊભા છે. જે.સી.બી. ચોરીનું હોવાની શંકાના આધારે પોલીસ ટીમે સ્થળ પર તપાસ કરતાં ત્રણ શખ્સો જે.સી.બી. સાથે મળી આવ્યા હતા.
પોલીસે જે.સી.બી. અંગે આધાર કે બિલ રજૂ કરવા જણાવતાં શખ્સો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી પોલીસે જે.સી.બી.ને શકમંદ મિલકત તરીકે કબજે કરી ત્રણેયની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જે.સી.બી. મહુવા-ખરેડ ગઢડા રોડ પર આવેલા પીડીલાઇટના દાણા બનાવવાના કારખાનામાં કચરો ભરવા માટે રાખવામાં આવ્યું હોવાનું અને તા.૭ ઓગસ્ટની રાત્રે ચોરી કરી મહુવાથી જાળીયા વિસ્તારની સીમમાં મૂકી આવ્યા બાદ તેને મહુવામાં સંતાડવા માટે લઈ જતા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓમાં ગણપત રવજીભાઈ જોળીયા, રાજુભાઈ ઉર્ફે પપ્પુ રણછોડ મકવાણા અને મનીષ કનુભાઈ જોળીયાનો સમાવેશ થાય છે.
પોલીસે તેમની પાસેથી રૂ.25 લાખની કિંમતનું પીળા રંગનું નંબર પ્લેટ વગરનું જે.સી.બી. તથા ત્રણ મોબાઇલ ફોન રૂ.30 હજાર મળી કુલ રૂ.25.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA