ભદ્રેશ્વરના દરિયાકાંઠે દેશભક્તિ સાથે સુરક્ષાનો સંદેશ: કોસ્ટ ગાર્ડે ગ્રામજનોને કરાવ્યું દરિયાઈ જાગૃતિનું પાઠ
કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) : મુન્દ્રા તાલુકાના દરિયાકાંઠાના ભદ્રેશ્વર ગામમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે દેશભક્તિનો સંદેશ આપતો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આવનારા સ્વાતંત્ર્ય દિવસને ધ્યાનમાં રાખીને ભારતીય
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કોસ્ટલ સિક્યુરિટી અંગે જનજાગૃતિ


ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કોસ્ટલ સિક્યુરિટી અંગે જનજાગૃતિ


ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કોસ્ટલ સિક્યુરિટી અંગે જનજાગૃતિ


ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કોસ્ટલ સિક્યુરિટી અંગે જનજાગૃતિ


કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) : મુન્દ્રા તાલુકાના દરિયાકાંઠાના ભદ્રેશ્વર ગામમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે દેશભક્તિનો સંદેશ આપતો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આવનારા સ્વાતંત્ર્ય દિવસને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ ICGS અંકિત સાથે સંકળાયેલા અધિકારીઓ દ્વારા ગ્રામ પંચાયત ખાતે ‘કમ્યુનિટી ઈન્ટરેક્શન પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામજનો, માછીમારો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન કોસ્ટ ગાર્ડના પ્રધાન નાવિક સુયશ ગવરે, નાવિક પ્રશાંત રાજ અને નાવિક જયદીપે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સ્થાનિક લોકોની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને માછીમારોને દરિયામાં અથવા દરિયાકાંઠાના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ, હોડી કે ગતિવિધિ નજરે પડે તો તાત્કાલિક સંબંધિત સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.

કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં જીવ બચાવવાના સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રાયોગિક સમજ પણ આપવામાં આવી હતી. લાઇફબોય અને લાઇફ જેકેટના ઉપયોગનું નિદર્શન કરી વિદ્યાર્થીઓને સલામતીના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. એક વિદ્યાર્થીને લાઇફ જેકેટ પહેરાવી તેની યોગ્ય રીત સમજાવવામાં આવતા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પણ રસપૂર્વક નિદર્શન નિહાળ્યું હતું.

દરિયાઈ સુરક્ષાના સંદેશ બાદ સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગે રંગાયો હતો. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રામજનો અને વિદ્યાર્થીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે બાળકો અને ગ્રામજનોમાં દેશપ્રેમની લાગણી જોવા મળી હતી.

આ પ્રસંગે ભદ્રેશ્વરના સરપંચ ડાયાભાઇ, ન્યાય સમિતિના ચેરમેન જગદીશ પારિયા, પંચાયત સદસ્યો હુસૈન માણેક, ઇશાક માંજલિયા અને ડામગર ગોસ્વામી, સરહદ ડેરીના ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય અયુબ હાજી, સારસ્વતમ સ્કૂલના શિક્ષક હિતેશભાઇ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે ઉપસ્થિત સૌને મીઠાઈ અને નાસ્તાનું વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande