
કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે કિડાણા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં જુગારના સ્થળેથી રૂ.26,060ની રોકડ રકમ તેમજ ગંજીપાનાં પત્તા મળી કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કિડાણા ગામમાં પાણીના ટાંકા નજીક તળાવની પાળ ઉપર કેટલાક લોકો જાહેરમાં ગંજીપાનાં વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને જોઈ જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી, જોકે પોલીસે સ્થળ પરથી પાંચ વ્યક્તિઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
પોલીસે પકડાયેલા શખ્સોની ઓળખ કિડાણા ખાતે રહેતા 25 વર્ષીય સોહિલ અલીમામદ અબડા, 45 વર્ષીય વેલાભાઈ મંગાભાઈ મકવાણા, 45 વર્ષીય કિશનભાઈ ધનજીભાઈ મહેશ્વરી, 30 વર્ષીય કાસમ હારૂન લાડક અને 42 વર્ષીય કાનાભાઈ ગોવાભાઈ દાફડા તરીકે કરી છે.
દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી રોકડા રૂ.26,060 તથા ગંજીપાનાં 52 પત્તા મળી આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલ કબજે કરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ સામે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેર સ્થળોએ ચાલતી જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કાર્યવાહીને પગલે કિડાણા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી વધુ અસરકારક બનાવવાના સંકેતો આપ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar