મુન્દ્રામાં ભક્તિ સાથે સર્જનાત્મકતાનો સંગમ: 14 અલૌકિક હિંડોળામાં બિરાજ્યા ઘનશ્યામ મહારાજ
કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) : મુન્દ્રા શહેરમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓની વચ્ચે આવેલું સ્વામિનારાયણ મંદિર હાલ ભક્તિ, કલા અને સર્જનાત્મકતાના અનોખા સંગમનું કેન્દ્ર બન્યું છે. એકાદશીના પાવન અવસરે મંદિર ખાતે યોજાયેલા વિશેષ હિંડોળા ઉત્સવે હરિભક્તોમાં આધ્યાત્મિક આ
મુંદ્રા સ્વામિનારાયણ મંદિર હિંડોળા દર્શન


મુંદ્રા સ્વામિનારાયણ મંદિર હિંડોળા દર્શન


મુંદ્રા સ્વામિનારાયણ મંદિર હિંડોળા દર્શન


કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) : મુન્દ્રા શહેરમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓની વચ્ચે આવેલું સ્વામિનારાયણ મંદિર હાલ ભક્તિ, કલા અને સર્જનાત્મકતાના અનોખા સંગમનું કેન્દ્ર બન્યું છે. એકાદશીના પાવન અવસરે મંદિર ખાતે યોજાયેલા વિશેષ હિંડોળા ઉત્સવે હરિભક્તોમાં આધ્યાત્મિક આનંદની લાગણી પ્રસરી હતી. ભગવાન શ્રીહરિને એકસાથે 14 વિવિધ કલાત્મક હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા છે, જેના મનમોહક દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર તરફ ઉમટી રહ્યા છે.

ભુજ-અંજાર મંદિરના બ્રહ્મનિષ્ઠ સંતોની નિશ્રામાં યોજાયેલા આ ઉત્સવ દરમિયાન મંદિર પરિસર ભક્તિગીતો અને પદોની મધુર ધૂનથી ગુંજી ઊઠે છે. સવારથી સાંજ સુધી ભક્તો પરિવાર સાથે મંદિરની મુલાકાત લઈ ભગવાનને હિંડોળે ઝુલાવવાનો આધ્યાત્મિક લ્હાવો માણી રહ્યા છે. નાના બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ વડીલો સહિત તમામ વયજૂથના સત્સંગીઓમાં આ ઉત્સવને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તપસ્વિની સાંખ્યયોગી ઉર્મિલાબાઈએ જીવન સાથે હિંડોળાની ગતિનું સુંદર સામ્ય સમજાવતા જણાવ્યું હતું કે, હિંડોળો જેમ સતત આગળ-પાછળ થતો રહે છે તેમ માનવજીવનમાં પણ સુખ અને દુઃખના તબક્કા આવતા-જતા રહે છે. જીવનને માત્ર બુદ્ધિથી સમજવું પૂરતું નથી, પરંતુ આધ્યાત્મિક સંસ્કારો માણસને જીવનનો સાચો અર્થ સમજવામાં મદદ કરે છે.

આ ઉત્સવનું સૌથી આગવું પાસું તેની સર્જનાત્મક તૈયારી છે. મંદિરના મહંત તપસ્વિની સામબાઈ ફઈના માર્ગદર્શન હેઠળ સાંખ્યયોગી તથા ગૃહસ્થ બહેનોએ વિવિધ નકામી ગણાતી સામગ્રીનો કલાત્મક ઉપયોગ કરીને આ હિંડોળા તૈયાર કર્યા છે. ફૂલ, પાન, આભલાં, છીપલાં, કચ્છી આભૂષણો સહિતની સામગ્રીને કલાત્મક રીતે સજાવીને તૈયાર કરાયેલા હિંડોળા પરંપરા સાથે નવીનતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

શિક્ષણવિદ્ ડો. કેશુભાઈ મોરસાણિયાએ જણાવ્યું કે આવા ધાર્મિક આયોજનો નવી પેઢી માટે સંસ્કાર અને કૌશલ્યની જીવંત પાઠશાળા સમાન છે. ભક્તિ સાથે કલા, ટીમવર્ક અને સર્જનાત્મકતાનો સમન્વય અહીં જોવા મળે છે.

મુન્દ્રા સ્વામિનારાયણ મંદિરમાં આ વિશિષ્ટ 14 હિંડોળાના દર્શનનો લાભ 30 ઓગસ્ટ, 2026 સુધી લઈ શકાશે. મંદિરના સંતો, પૂજારીઓ, ટ્રસ્ટીઓ અને હરિભક્તોએ મુન્દ્રા તથા આસપાસના નગરજનોને સવાર-સાંજ દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande