
મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) : વિસનગરમાં દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધિકારીઓ, સામાજિક આગેવાનો અને નાગરિકો જોડાયા હતા.
યાત્રાના પ્રારંભ પહેલાં કાંસા ચોકડી ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરદાર પટેલ પાર્ટી પ્લોટથી શરૂ થયેલી તિરંગા યાત્રા એન.એ. વિસ્તાર થઈ કાંસા ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રા દરમિયાન હાથમાં તિરંગા સાથે વિદ્યાર્થીઓ અને નાગરિકોએ દેશભક્તિના નારા લગાવતાં સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. માર્ગો પર નાગરિકોએ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 15 ઑગસ્ટ 1947 ભારતના ઇતિહાસની ગૌરવપૂર્ણ ક્ષણ છે અને તિરંગો દેશની શાન તથા ગૌરવનું પ્રતીક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સૌએ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવું જોઈએ.
યાત્રામાં અગ્રણી ગિરીશભાઈ રાજગોર સહિત જિલ્લા-તાલુકા કક્ષાના અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ, રાજકીય-સામાજિક કાર્યકરો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR