

પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની ઉપસ્થિતિ અને કમિશનર ટી.સી.
તીરથાણીની અધ્યક્ષતામાં ‘હર ઘર તિરંગા’ યાત્રાના આયોજન અંગે મહાનગરપાલિકા સભાખંડ
ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ મોલ હતી. ‘હર ઘર તિરંગા’ અંતર્ગત તિરંગા
યાત્રાનું આયોજન તા. 13/08/2026 ના રોજ સાંજે 5:00 કલાકે પોરબંદર શહેરના દિલીપ
ટ્રોફી ક્રિકેટ ગ્રાઉન્ડ (એમ.જી. રોડ) ખાતેથી યોજાશે.
બેઠક દરમિયાન મેયર સાગરભાઈ મોદીએ શહેરમાં ‘હર ઘર તિરંગા’
યાત્રાનું ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
યાત્રાના રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, નાગરિકોને કોઈ
અગવડતા ન પડે તેમજ પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે અંગે સંબંધિત અધિકારીઓ
સાથે ચર્ચા કરી, જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ
આપવામાં આવી હતી.આ બેઠકમાં નાયબ કમિશનર મનન ચતુર્વેદી, નાયબ પોલીસ
અધિક્ષક ઋતુ રાબા, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેજલ ચૌહાણ, જિલ્લા રમતગમત
અધિકારી પ્રવીણા પાંડાવદરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાનારી આ તિરંગા યાત્રા
રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો અવસર છે. ત્યારે પોરબંદર
જિલ્લાના નાગરિકો, યુવાનો, વિવિધ સંસ્થાઓ
અને સંગઠનોને તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાઈને વધુમાં વધુ સંખ્યામાં સહભાગી થવા
તેમજ રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને સન્માનની ભાવના સાથે આ રાષ્ટ્રીય અભિયાનને
જનભાગીદારીથી સફળ બનાવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya