
પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.)રાષ્ટ્રપ્રેમ
અને દેશભક્તિની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે “હર ઘર
તિરંગા – 2026”
અભિયાન અંતર્ગત પોરબંદર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 13
ઓગસ્ટ 2026, ગુરુવારના રોજ સાંજે 5:00 કલાકે દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ, એમ.જી. રોડ, વાડિયા પેટ્રોલ પંપ સામે, પોરબંદર ખાતેથી તિરંગા યાત્રાનો
પ્રારંભ થશે. આ તિરંગા યાત્રા દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી હાર્મની
ફૂવારા, બાલુબા કન્યા શાળા, એમ.જી. રોડ, સુદામા ચોક થઈ માણેક ચોક ખાતે પહોંચશે.
તિરંગા યાત્રાના માધ્યમથી રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશ પ્રત્યેનું ગૌરવ, રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવનાને
વધુ પ્રબળ બનાવવાનો સંદેશ આપવામાં આવશે.
આ
પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ટી. સી. તીરથાણીએ પોરબંદરના નાગરિકોને સંદેશ પાઠવતા
જણાવ્યું હતું કે, આ તિરંગા યાત્રા માત્ર એક યાત્રા નથી, પરંતુ આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યેના
સન્માન, દેશ પ્રત્યેના ગૌરવ અને એકતાની
ભાવનાનું પ્રતીક છે. પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોવાથી આ
પવિત્ર ધરતી પરથી યોજાનારી તિરંગા યાત્રાનું વિશેષ મહત્વ છે. તેમણે પોરબંદરના તમામ
નાગરિકો, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ વિવિધ સંસ્થાઓ અને
સંગઠનોને આ ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈ તેને ભવ્ય અને ઐતિહાસિક
બનાવવા હૃદયપૂર્વક અપીલ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર ટી. સી. તીરથાણીએ વધુમાં
જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને તિરંગો લહેરાવીએ, દેશભક્તિના નારા લગાવીએ અને “હર ઘર
તિરંગા, હર મન તિરંગા, હર દિલ તિરંગા”ના સંદેશને જન-જન સુધી
પહોંચાડીએ. પરિવાર, મિત્રો અને સહકર્મીઓ સાથે મોટી
સંખ્યામાં ઉપસ્થિત રહી પોરબંદર શહેરની આ ભવ્ય તિરંગા યાત્રાને સફળ બનાવીએ. તેમણે
અંતમાં સૌને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, “આવો.તિરંગો લહેરાવીએ, દેશપ્રેમની ભાવના પ્રબળ બનાવીએ! દરેક ઘરમાં તિરંગો.દરેક દિલમાં
દેશપ્રેમ!” પોરબંદરના નાગરિકોને તા.13 ઓગસ્ટના રોજ સાંજે 5:00 કલાકે દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ, એમ.જી. રોડ, વાડિયા પેટ્રોલ પંપ સામે મોટી
સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રપ્રેમના આ પર્વમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya