
મહેસાણા, 12 ઓગસ્ટ (હિ.સ.)
શ્રાવણ માસના પાવન પર્વ નિમિત્તે ઐતિહાસિક નગરી વડનગરમાં 13 ઓગસ્ટે ભવ્ય ‘વડનગર શ્રાવણોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા યોજાનારા આ મહોત્સવનો પ્રારંભ વહેલી સવારે શર્મિષ્ઠા તળાવ ખાતેથી કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્ય આકર્ષણ સમાન ‘ડમરૂ યાત્રા’ને પ્રસ્થાન કરાવવામાં આવશે.
ડમરૂ યાત્રામાં 108 નિષ્ણાત કલાકારો એકસાથે ડમરૂ વાદન કરશે. શર્મિષ્ઠા તળાવથી શરૂ થતી યાત્રા અર્જુન બારી, ભગતના ગલ્લા, જૂના ચાચરેથી પસાર થઈ શ્રી સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે. 108 કલાકારોના ડમરૂના નાદથી સમગ્ર વડનગર શિવમય બનશે.
શ્રદ્ધા, સંગીત અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમા આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિતના જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
વહીવટી તંત્ર દ્વારા વડનગરના નગરજનો અને ભાવિક ભક્તોને સહપરિવાર ઉપસ્થિત રહી આ અનોખા સાંસ્કૃતિક અને ધાર્મિક મહોત્સવના સાક્ષી બનવા અપીલ કરવામાં આવી છે. શ્રાવણ માસમાં યોજાનારી આ ડમરૂ યાત્રા વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR