ગીર સોમનાથ જિલ્લા રમત-ગમત સંકુલ અને સિન્થેટિક ટ્રેકનું વર્ચ્યૂઅલી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
ગીર સોમનાથ, 12 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યમાં આજથી શરૂ થતી ''શક્તિદૂત ૨.૦'' યોજનાના શુભારંભ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ગીર સોમનાથ જિલ્લાના રમત-ગમત સંકુલનું લોકાર્પણ અને સિન્થેટિક ટ્રેકનું વર્ચ્યૂઅલી ખાતમુહૂર્ત કર્યું હતું. ગાંધીનગરના મહાત્મ
ગીર સોમનાથ જિલ્લા રમત-ગમત સંકુલ અને સિન્થેટિક ટ્રેકનું વર્ચ્યૂઅલી


ગીર સોમનાથ, 12 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યમાં આજથી શરૂ થતી 'શક્તિદૂત ૨.૦' યોજનાના શુભારંભ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ગીર સોમનાથ જિલ્લાના રમત-ગમત સંકુલનું લોકાર્પણ અને સિન્થેટિક ટ્રેકનું વર્ચ્યૂઅલી ખાતમુહૂર્ત કર્યું હતું.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વર્ચ્યૂઅલ રીતે જોડાયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ રાજ્ય સરકારના પ્રયત્નોના કારણે રમતગમત ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે તેની વિસ્તૃત વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલ ખેલ મહાકુંભ જેવા રમતોત્સવ, ડી.એલ.એસ.એસ જેવી યોજનાઓ તેમજ અત્યાધુનિક રમતગમત સંકુલોના નિર્માણથી રાજ્યના ખેલક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે.

એક સમયે ફાફડા-જલેબી અને ઢોકળા જેવા ઉપનામોથી રાજ્યના ખેલાડીઓને હતોત્સાહ કરવાના પ્રયત્નો થતા હતા પરંતુ રાજ્ય સરકારના ખેલલક્ષી પ્રયત્નોના કારણે આજે રાજ્યના ખેલાડીઓ એશિયાડથી માંડી કોમનવેલ્થ સુધીની વૈશ્વિક સ્પર્ધાઓમાં પોતાની નામના વધારવા સાથે રાજ્યનો ડંકો વગાડી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ખાતે રૂ.૧૭.૫૦ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ આકાર પામ્યું છે. તેમજ આગામી સમયમાં રૂ.૧૦.૬૯ કરોડના ખર્ચે અત્યાધુનિક ૪૦૦ મીટરના સિન્થેટિક ટ્રેકનું નિર્માણ કરવામાં આવશે.

યુવાનો ખેલ ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્યના દરેક જિલ્લામાં સ્પોર્ટસ સંકુલની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે, ગીર સોમનાથના ઈણાજ મુકામે તૈયાર થયેલા આ સ્પોર્ટ્સ સંકુલના માધ્યમથી જિલ્લાના રમતવીરોને રમત અને કૌશલ્યને દર્શાવવાનું એક નવું માધ્યમ મળ્યું છે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિન્થેટિક ટ્રેક, એથ્લેટીક્સ તેમજ ઈનડોર ગેમ્સ રમી શકાય તે પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ સંકુલમાં વોલીબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, કબડ્ડી સહિતની ઈન્ડોર રમત માટેની સગવડો જિલ્લાના ખેલાડીઓની પ્રતિભાને નવી દિશા આપવામાં મદદરૂપ થશે.

રામમંદિર ઑડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના આ કાર્યક્રમમાં વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ, ચેરમેન શ્રી ઉદય શાહ, કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતાં.

'શક્તિદૂત ૨.૦' શુભારંભ સમારોહમાં રૂ.૩૪૦ કરોડથી વધુ રકમના વિવિધ રમતસંકુલ તથા લાઈબ્રેરીનું ભૂમિપૂજન અને લોકાર્પણ અને રાજ્યના ૧૭૮૮ પ્રતિભાશાળી ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદિપસિંહજી એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 'શક્તિદૂત ૨.૦' પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા રમતવિકાસ અધિકારી કાનજી ભાલિયા, યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્ય, વ્યાયામમંડળના પ્રતિનિધિઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande