


ગાંધીનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક (INFLIBNET) સેન્ટરે તેના ઓડિટોરિયમમાં ભારતીય ગ્રંથાલય વિજ્ઞાનના પિતામહ પ્રો. એસ. આર. રંગનાથનની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ ૨૦૨૬’ની ઉજવણી કરી હતી. પુસ્તકાલયો: લોકોને જોડવું, જ્ઞાનનું જતન કરવું અને ભવિષ્યને સશક્ત બનાવવું (#LoveLibraries #EmbraceKnowledge) વિષય પર આધારિત આ કાર્યક્રમમાં શૈક્ષણિક જગતની અગ્રણી હસ્તીઓ અને ગ્રંથાલય નિષ્ણાતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ના ગાન, શાનદાર દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી થઈ હતી, ત્યારબાદ વૈજ્ઞાનિક-સી પલ્લબ પ્રધાને ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આજના સમયમાં લાઇબ્રેરી સાયન્સના મહત્વ પર ભાર મૂકતાં ઇન્ફ્લિબ્નેટ સેન્ટરના ડિરેક્ટર પ્રો. દેવિકા પી. માડલ્લીએ જણાવ્યું કે પ્રો. એસ. આર. રંગનાથનની વિચારધારાએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં આધુનિક ગ્રંથાલય વિજ્ઞાનનો પાયો નાખ્યો છે. આજના ડિજિટલ યુગમાં પણ તેમણે આપેલા સિદ્ધાંતો એટલા જ સચોટ અને ઉપયોગી છે. દરેક જિજ્ઞાસુ સુધી જ્ઞાન સરળતાથી પહોંચે અને તેનો સદ્ઉપયોગ થાય તેવા અમારા સંકલ્પને આ સિદ્ધાંતો જ સતત માર્ગદર્શન આપે છે.
પ્રો. માડલ્લીએ વધુમાં ઉમેર્યું કે, સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહેલા દેશવ્યાપી અભિયાનને બહોળો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં ૪૦થી વધુ અગ્રણી શિક્ષણશાસ્ત્રીઓ, ૨૦થી વધુ રાષ્ટ્રીય કક્ષાના લાયબ્રેરી સંગઠનો અને ૭,૫૦૦થી વધુ લોકો આ અભિયાનમાં જોડાયા છે.
ભારતના ડિજિટલ રિસર્ચ અને શૈક્ષણિક ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રસંગે ત્રણ નવા વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા હતા:
VIDWAN 2.0: આ પોર્ટલ ‘નેશનલ રિસર્ચ આઇડેન્ટિફાયર’ ટેકનોલોજીથી સજ્જ છે, જે એક્સપર્ટ ડિરેક્ટરી, DOI-લિંક્ડ પબ્લિકેશન ટ્રેકિંગ, પ્રોજેક્ટ મેપિંગ અને કસ્ટમાઇઝ્ડ CV દ્વારા સંશોધકોની કામગીરીને વૈશ્વિક ઓળખ આપે છે.
INF-ERM (બીટા રિલીઝ): વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની લાયબ્રેરીઓમાં ડિજિટલ સાહિત્ય અને સંસાધનોનું મેનેજમેન્ટ સરળ બનાવવા તેમજ ડેટા શેરિંગ સુગમ બનાવવા માટે આ પોર્ટલ તૈયાર કરાયું છે.
HRD 2.0: ટ્રેનિંગ પ્રોસેસને સંપૂર્ણપણે પેપરલેસ બનાવવા માટે આ પ્લેટફોર્મ રજૂ કરાયું છે, જેમાં OTP લોગિન, ઓનલાઇન સર્ટિફિકેટ અને રિયલ-ટાઇમ એનાલિટિક્સ જેવી આધુનિક સુવિધાઓ છે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ અને ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. જગદીશ જોશીએ ઇન્ફ્લિબ્નેટ સેન્ટરની કામગીરીને બિરદાવતા કહ્યું દેશની લાયબ્રેરીઓને આધુનિક બનાવવા અને સશક્ત કરવામાં ઇન્ફ્લિબ્નેટ સેન્ટરે હંમેશાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. મજબૂત ડિજિટલ નેટવર્ક ઊભું કરીને સંશોધનને વેગ આપવા અને જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવામાં તેમનું યોગદાન ભારતના ઉચ્ચ શિક્ષણ માટે અમૂલ્ય છે.
આ પ્રસંગે આયોજિત ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, લકી ડ્રો યોજાયો હતો અને સંજય દ્વારા ડો. એસ. આર. રંગનાથનના જીવન પર તૈયાર કરાયેલો વિશેષ શોર્ટ વિડિયો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અંતમાં વૈજ્ઞાનિક-ડી હિતેશકુમાર સોલંકીએ આભાર વિધિ સંપન્ન કરી હતી અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ