
મહેસાણા, 12 ઓગસ્ટ (હિ.સ.) આંબલિયાસણ સ્ટેશન ખાતે આવેલી શ્રી સાર્વજનિક વિદ્યાલયમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન-2026 અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને રાષ્ટ્રભક્તિના નારા સાથે યાત્રામાં જોડાયા હતા. શિસ્તબદ્ધ રીતે યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન ભારત માતાના જયઘોષથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના કેળવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્વતંત્રતા સંગ્રામના શહીદોના બલિદાન અને રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા. ‘હર ઘર તિરંગા’ અભિયાનનો હેતુ દરેક ઘરમાં તિરંગો લહેરાવી દેશ પ્રત્યે ગૌરવ અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત કરવાનો છે.
તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વતંત્રતા પર્વની ઉજવણીને દેશભક્તિના રંગે રંગી હતી. શાળા પરિવાર દ્વારા નાગરિકોને પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR