
મહેસાણા, 12 ઓગસ્ટ (હિ.સ.) : કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પશુપાલન નિષ્ણાંત ડૉ. શરદભાઈ સોનીએ પશુપાલકોને આપી મહત્વની સલાહ ગાય- ભેંસના વિયાણ બાદ ગર્ભાશયમાં સોજો, ગંદુ પ્રવાહી ભરાવું કે મેલી (ઓર) સમયસર ન પડવી જેવી સમસ્યાઓ પશુના સ્વાસ્થ્ય સાથે આગામી ગર્ભધારણને પણ અસર કરી શકે છે. આથી વિયાણ પહેલાં, દરમિયાન અને બાદમાં યોગ્ય કાળજી રાખવી જરૂરી છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મહેસાણાના પશુપાલન વિષય નિષ્ણાંત ડૉ. શરદભાઈ સોનીના જણાવ્યા મુજબ, વિયાણ દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બચ્ચું બહાર કાઢવા મદદની જરૂર હોય તો અનુભવી વ્યક્તિ અથવા પશુચિકિત્સકની મદદ લેવી જોઈએ. હાથ અને ઉપયોગમાં લેવાતા સાધનો સ્વચ્છ તથા જંતુમુક્ત હોવા જરૂરી છે.
વિયાણ બાદ મેલી થોડા કલાકોમાં બહાર પડી જાય છે. જો મેલી સમયસર ન પડે તો તેને જાતે ખેંચીને કાઢવાનો પ્રયાસ કરવો નહીં, કારણ કે ગર્ભાશયને ઈજા થવાથી ચેપ અને સોજાનું જોખમ વધી શકે છે. આવી સ્થિતિમાં પશુચિકિત્સકની સલાહ લેવી જોઈએ.
પશુના રહેઠાણને સ્વચ્છ અને સૂકું રાખવા ઉપરાંત પૌષ્ટિક આહાર, પૂરતું સ્વચ્છ પાણી અને જરૂરી ખનીજ મિશ્રણ આપવું જોઈએ. ગંદુ પ્રવાહી, તાવ, ખોરાકમાં ઘટાડો કે અસ્વસ્થતા જણાય તો જાતે દવા આપવાને બદલે તાત્કાલિક પશુચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR