
મહેસાણા, 12 ઓગસ્ટ (હિ.સ.) : બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આયોજિત 8મી દાદી પ્રકાશમણી આબુ હાફ મેરેથોનમાં મહેસાણાના ડોકરા રનિંગ ક્લબના 50 દોડવીરોએ ભાગ લઈને શાનદાર પ્રદર્શન કર્યું. 21 કિમીના પડકારજનક હિલ રનિંગ રૂટ પર સતત ચઢાણ-ઉતાર વચ્ચે તમામ 50 દોડવીરોએ સફળતાપૂર્વક દોડ પૂર્ણ કરી મેડલ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
આ આંતરરાષ્ટ્રીય કક્ષાની હાફ મેરેથોનમાં ગુજરાત સહિત દેશના વિવિધ શહેરો અને વિદેશમાંથી હજારો દોડવીરો જોડાયા હતા. કઠિન હિલ રૂટ હોવા છતાં મહેસાણાના દોડવીરોએ ઉત્સાહ, આત્મવિશ્વાસ અને શિસ્ત સાથે દોડ પૂર્ણ કરી મહેસાણાનું ગૌરવ વધાર્યું.
મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ એકતા, માનવતા, નશામુક્ત ભારત અને વિશ્વભાઈચારાનો સંદેશ ફેલાવવાનો હતો. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી ડોકરા રનિંગ ક્લબના 400થી વધુ રનર્સે ભાગ લીધો હતો અને તમામે નિર્ધારિત સમયમાં દોડ પૂર્ણ કરી એક જ ક્લબ દ્વારા મોટી સંખ્યામાં દોડવીરો સાથે સફળતાપૂર્વક મેરેથોન પૂર્ણ કરવાનો રેકોર્ડ સર્જ્યો હોવાનું જણાવાયું છે.
ડોકરા ફાઉન્ડર કરણભાઈ બ્રહ્મભટ્ટ તથા કોચ અશોકભાઈ ચૌધરી, અશોકભાઈ વ્યાસ, પૂર્વીબેન ચૌધરી અને રમીલાબેન ચૌધરી સહિત મીડિયા કન્વીનર જીગ્નેશભાઈ પટેલ અને ધર્મેશભાઈ પટેલે તમામ દોડવીરોને અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR