
મહેસાણા, 12 ઓગસ્ટ (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે મહેસાણા જનરલ હોસ્પિટલ ખાતે ‘ઈન્ટેન્સીફાઈડ IEC કેમ્પેઈન-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો. HIV/AIDS અને જાતીય રોગો અંગે લોકોમાં જાગૃતિ લાવવા તથા રોગ સંબંધિત ગેરમાન્યતાઓ દૂર કરવાના હેતુથી શરૂ કરાયેલા આ બે માસના અભિયાન અંતર્ગત જિલ્લામાં વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓ યોજાશે.
જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં નર્સિંગ સ્કૂલ તથા સાર્વજનિક BSW/MSW કોલેજના આશરે 300 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ HIV/AIDS જાગૃતિ રેલીમાં ભાગ લીધો હતો. મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. ગોપી પટેલ, જિલ્લા TB-HIV અધિકારી ડૉ. હરેશ પટેલ સહિતના અધિકારીઓએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ અભિયાન 12 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. આ દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘરે-ઘરે જાગૃતિ, ગ્રામ પંચાયત સભ્યો માટે સેન્સિટાઈઝેશન કાર્યક્રમો અને વિશેષ સ્ક્રીનિંગ કેમ્પ યોજાશે. શાળા-કોલેજોમાં અવેરનેશ સેશન, નાટક અને ફ્લેશ મોબ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાશે. કોલેજના યુવાનો માટે QR કોડ મારફતે ‘સેલ્ફ રિસ્ક એસેસમેન્ટ’ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR