પાટણ-સિદ્ધપુરમાં શ્રાવણની ભક્તિનો માહોલ જામશે, પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલે વિધિવત પ્રારંભ થશે
પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલે, ગુરુવારથી વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસને લઈને પાટણ સહિત સમગ્ર જિલ્લામાં શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર માસ દરમિયાન ભક્તો શિવાલયોમાં જઈ ભગવાન શિવની પૂજા-અર્ચના, જલ
પાટણ-સિદ્ધપુરમાં શ્રાવણની ભક્તિનો માહોલ જામશે, પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલે વિધિવત પ્રારંભ થશે.


પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલે, ગુરુવારથી વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસને લઈને પાટણ સહિત સમગ્ર જિલ્લામાં શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર માસ દરમિયાન ભક્તો શિવાલયોમાં જઈ ભગવાન શિવની પૂજા-અર્ચના, જલાભિષેક અને બિલીપત્ર અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક આરાધના કરશે.

શાસ્ત્રોક્ત માન્યતા મુજબ શ્રાવણ માસમાં ભગવાન શિવને જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને કલ્યાણ પ્રાપ્ત થાય છે.

પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ સહિતના વિવિધ શિવ મંદિરોમાં શ્રાવણ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળશે. તેમજ સિદ્ધપુરના વટેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, અરવડેશ્વર મહાદેવ, અડીયા ગામના દૂધેશ્વર મહાદેવ, મુજપુરના લોટેશ્વર મહાદેવ અને ઝિલિયાના ઝિલેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં પણ ભક્તો દર્શન અને અભિષેક માટે ઉમટી પડશે.

સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ‘હર હર ભોળાનાથ’ અને ‘ૐ નમઃ શિવાય’ના નાદથી ભક્તિમય વાતાવરણ સર્જાશે. ખાસ કરીને દર સોમવારે વિવિધ શિવ મંદિરોમાં નયનરમ્ય આંગી કરવામાં આવશે, જેના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે. શ્રાવણ માસ દરમિયાન પાટણ-સિદ્ધપુરના શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો અને ભક્તિનો માહોલ જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande