હારીજમાં SMCનો જુગારધામ પર દરોડો, 28 જુગારીઓ ઝડપાયા
પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.)પાટણના હારીજ ખાતે SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમૃતપુરા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ નાસભાગ મચી હતી, જેમાં 4 આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા, જ્યારે 28 જુગારીઓને રંગ
હારીજમાં SMCનો જુગારધામ પર દરોડો, 28 જુગારીઓ ઝડપાયા


પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.)પાટણના હારીજ ખાતે SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમૃતપુરા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ નાસભાગ મચી હતી, જેમાં 4 આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા, જ્યારે 28 જુગારીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

જગદીશકુમાર મથુરજી ઠાકોરના કબજા ભોગવટાના પ્લોટમાં લેમ્પના અજવાળે તાડપત્રી અને ગાદલા પાથરી ગંજીપત્તા વડે જુગાર રમાડાતો હતો. SMCની ટીમે સ્થળને કોર્ડન કરી 28 આરોપીઓને ઝડપી લીધા હતા.

પ્રાથમિક તપાસમાં જુગારધામ જગદીશકુમાર મથુરજી ઠાકોર, ચંદનજી જવાનજી ઠાકોર, જાવેદ ઉર્ફે ટીલડી કાલુમીયાં પઠાણ અને નરસિંહજી મેઘાજી ઠાકોરની ભાગીદારીમાં ચાલતું હોવાનું સામે આવ્યું છે. જાવેદ અને નરસિંહજી જુગારીઓને બોલાવતા, જગદીશ ઠાકોર લાઇટ-પાણી અને જગ્યાની વ્યવસ્થા કરતો તથા ચંદનજી નાળના નાણાં ઉઘરાવતો હતો.

દરોડા દરમિયાન પોલીસે રોકડ રૂ.2,35,630, 28 મોબાઇલ રૂ.2,35,500, અર્ટીગા કાર રૂ.7,00,000 તેમજ ગાદલા, તાડપત્રી, સ્ટીલનો ડબ્બો અને ઇલેક્ટ્રીક લેમ્પ સહિત કુલ રૂ.11,72,630નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ફરાર આરોપીઓમાં જાવેદ ઉર્ફે ટીલડી, નરસિંહજી ઠાકોર અને અન્ય બે ઇસમોનો સમાવેશ થાય છે. ઝડપાયેલા 28 આરોપીઓમાં હારીજ, રાધનપુર, સમી, પાટણ, બેચરાજી અને અમદાવાદના જુગારીઓ હોવાનું સામે આવ્યું છે.

ઈ-ગુજકોપ તપાસમાં મોટા ભાગના આરોપીઓ અગાઉ પણ દારૂ અને જુગારના ગુનામાં ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. ચંદનજી ઠાકોર, મહેશકુમાર ભીલ, દિનેશજી ઠાકોર અને દીપકકુમાર રાવલ 2026ની પાટણ જિલ્લા જાણીતા જુગારીઓની યાદીમાં સામેલ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 તથા BNSની કલમ 112(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande