કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય 120મી સર્વ નેતૃત્વ શિબિર યોજાઈ
ગાંધીનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય ‘સર્વ નેતૃત્વની ૧૨૦’મી નિવાસી શિબિર યોજાઈ. જેમાં ૧૫ કોલેજોના ૭૩ યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં સારા સંસ્કારો
શિબિર યોજાઈ


શિબિર


ગાંધીનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય ‘સર્વ નેતૃત્વની ૧૨૦’મી નિવાસી શિબિર યોજાઈ. જેમાં ૧૫ કોલેજોના ૭૩ યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં સારા સંસ્કારોનું સિંચન, મૂલ્યનિષ્ઠ નેતૃત્વક્ષમતા, વ્યક્તિત્વ વિકાસ, આત્મજાગૃતિ, ટીમવર્ક, સંવાદકૌશલ્ય અને સમાજસેવાની ભાવનાનું સંવર્ધન કરવાનો હતો.

શિબિરના પ્રથમ દિવસે કાર્યક્રમનો પ્રારંભ સર્વધર્મ પ્રાર્થના દ્વારા કરાયો અને ત્યારબાદ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયના ઇતિહાસ અને કાર્યપરંપરાનો પરિચય આપવામાં આવ્યો હતો. ચાય પે ચર્ચા સત્ર દ્વારા યુવાનોને એકબીજાનો પરિચય કેળવ્યો હતો. બીજા દિવસે નડિયાદથી જોડાયેલ ટ્રેનર ભાવિક ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ કૃતજ્ઞતા, માઇન્ડસેટ, VAK Learning Model, Johari Window, SWOT Analysis અને Strength Use Plan જેવી પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને પોતાની ક્ષમતાઓ ઓળખવા તથા વ્યક્તિત્વ વિકાસ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. વિશ્વની પ્રથમ મહિલા એમ્પ્યુટી એવરેસ્ટ વિજેતા અરુણિમા સિન્હાની પ્રેરણાદાયી જીવનયાત્રા દ્વારા ‘અશક્યને શક્ય’ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.

ત્રીજા દિવસે ASK – Attitude, Skill, Knowledge અને Habit મોડેલ દ્વારા સફળતા માટે જરૂરી ચાર પાયાની સમજ આપવામાં આવી. અમદાવાદ નો રિક્ષાવાળો તરીખે પ્રચલિત ઉદયભાઈ જાદવનું પ્રેરણાદાયી સત્ર યોજાયું હતું. ચોથા દિવસે, સામાજિક પ્રોજેક્ટ્સની રજૂઆત તથા SMART Goal Formula દ્વારા અસરકારક લક્ષ્યનિર્ધારણની તાલીમ આપવામાં આવી. પ્રણવ દેસાઈ (SN-42), સ્થાપક–Reco Solution Pvt. Ltd. દ્વારા આત્મવિશ્વાસ, કાર્યશીલતા અને ‘પરિવર્તનની શરૂઆત સ્વયંથી’ના વિચાર પર પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું. સમાપન સમારોહમાં ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા મહિલા કોમર્સ કોલેજના આચાર્ય ડો. લલિતભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનોને જીવનમાં મૂલ્યનિષ્ઠ નેતૃત્વ અપનાવી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. ત્યારબાદ યોજાયેલી ‘પ્રતિભા સંધ્યા’માં તાલીમાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક અને સર્જનાત્મક રજૂઆતો દ્વારા પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. અંતિમ દિવસે તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની મુલાકાત લીધી હતી જ્યાં ડૉ. પારસ જી. ઓગાણિયા - સહાયક મહામાત્ર (ગુજરાતી) દ્વારા ગુજરાતી સાહિત્ય, સંસ્કૃતિ અને જ્ઞાનપરંપરા અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે અકાદમી દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ ની માહિતી આપી હતી.

શિબિરનું સફળ આયોજન અને સુચારુ સંચાલન સર્વ નેતૃત્વ સેલના મુખ્ય કોઓર્ડિનેટર ડૉ. ધર્મેન્દ્રભાઈ પટેલ, રાહુલભાઈ સુખડીયા, ખુશાલીબેન પંડ્યા દ્વારા કરાયું હતું જેમાં પૂર્વ તાલીમાર્થી વૈદેહી પટેલ, આસ્થા પ્રજાપતિ, ઋષિત પટેલ અને યશ પટેલ દ્વારા વોલેન્ટિયર તરીકે સહયોગ પૂરો પાડ્યો હતો. કાર્યક્રમના અંતે સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભ પટેલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આગળના ભવિષ્ય માટે શુભેરછાઓ આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande