હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત અમદાવાદમાં રાયપુર બિગ બજારથી સારંગપુર સુધી ભવ્ય તિરંગા યાત્રા
- 300 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાશે અમદાવાદ,12 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રગીત વંદેમાતરમના 150 વર્ષ પૂર્ણ થતાં અને ''હર ઘર તિરંગા'' અભિયાન અંતર્ગત આજે અમદાવાદમાં હર ઘર તિરંગા'' યાત્રા રાયપુર બિગ બજારથી સારંગપુર સુધી ભવ્ય
file photo Tiranga Yatra in ahmedabad


- 300 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાશે

અમદાવાદ,12 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રગીત વંદેમાતરમના 150 વર્ષ પૂર્ણ થતાં અને 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત આજે અમદાવાદમાં હર ઘર તિરંગા' યાત્રા રાયપુર બિગ બજારથી સારંગપુર સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 12 ઓગસ્ટ 2026ના રોજ રાયપુર બિગ બજારથી સારંગપુર સુધી ભવ્ય 'તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંજે 5 કલાકે 300 ફૂટના તિરંગા સાથે આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. યાત્રા રાયપુર ચાર રસ્તા અને ખાડિયા ગેટ થઈ સારંગપુર ચાર રસ્તા ખાતે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી પૂર્ણ થશે.

યાત્રાને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરાયા છે. કાલુપુરથી સારંગપુર થઈ એલિસબ્રિજ તરફ જતી બીઆરટીએસ અને એએમટીએસ બસોને ડાઈવર્ટ કરાઈ છે, જ્યારે કાલુપુરથી આસ્ટોડિયા સુધીના તમામ બીઆરટીએસ સ્ટેન્ડ બંધ રહેશે.

આ ઉપરાંત રાયપુર દરવાજાથી સારંગપુર, છબીલા હનુમાન, ખાડિયા ગેટ, બાલા હનુમાનથી સારંગપુર ચકલા, કાગડાપીઠ ટીથી આસ્ટોડિયા અને પારસી અગિયારીથી રાયપુર દરવાજા સુધીના માર્ગો વાહનો માટે બંધ રાખવામાં આવ્યા છે.

યાત્રાના રૂટ પર વિવિધ સ્થળોએ શણગાર તથા દેશભક્તિના માહોલને અનુરૂપ સજાવટ કરાઈ છે. યાત્રાને વધુ ભવ્ય બનાવવા માટે રૂટ પર કુલ 11 સ્વાગત સ્ટેજ ઉભા કરાયા છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

એએમસીના થીમ આધારિત ટેબ્લો, સેલ્ફી કોર્નર તેમજ રીલ સ્પર્ધા પણ નાગરિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

નાગરિકોની સુવિધા માટે મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે. આ યાત્રામાં હોમગાર્ડ, પોલીસ બેન્ડ, ફાયર વિભાગના જવાનો, સ્કાઉટ બેન્ડ સાથેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, રમતવીરો, વિવિધ સમાજો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપરાંત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે. યાત્રાનું ડિજિટલ માધ્યમથી પણ વ્યાપક પ્રસારણ કરવામાં આવશે, જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા નાગરિકો પણ આ દેશભક્તિના મહોત્સવ સાથે જોડાઈ શકશે.

એએમસી દ્વારા નાગરિકો માટે રીલ સ્પર્ધાનું આયોજન કરાયું છે. વિજેતાઓને પ્રથમ ઈનામ ₹31,000, દ્વિતીય ઈનામ ₹21,000 અને તૃતીય ઈનામ ₹11,000 રોકડ આપવામાં આવશે. ભાગ લેનારે તિરંગા યાત્રાની સર્જનાત્મક રીલ બનાવી પોતાના પબ્લિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર #AmdavadTirangaYatra2026 અને #AMC હેશટેગ સાથે @amdavadamc ને ટેગ કરીને પોસ્ટ કરવાની રહેશે. ત્યારબાદ આ રીલ સાથે પોતાનું નામ, વોર્ડ અને સંપર્ક નંબર @amdavadamc પર ડાયરેક્ટ મેસેજ (DM) કરવાનો રહેશે. રીલ મોકલવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટ, 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande