
સુરત, 12 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના કાપોદ્રા વિસ્તારમાં સોશિયલ મીડિયા એપ સ્નેપચેટ દ્વારા થયેલી ઓળખ એક પરિણીતા માટે ગંભીર મુશ્કેલીમાં ફેરવાઈ હતી. પોલીસ મુજબ, ફેબ્રુઆરી 2026 દરમિયાન મહિલાની ઓળખ જકાતનાકા વિસ્તારમાં રહેતા ટોનીશ ઉર્ફે જૈનીલ ઘનશ્યામભાઈ પડસાળા સાથે થઈ હતી. શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ આરોપીએ પોતે સાયબર ક્રાઇમના કેસમાં ફસાયો હોવાનું કહી પોલીસ અને વકીલોના ખર્ચના બહાને મહિલા પાસેથી તબક્કાવાર રૂ. 2.80 લાખ મેળવ્યા હતા.
આરોપીએ બાદમાં સ્નેપચેટના સ્ક્રીનશોટ મહિલાના પતિને બતાવી દેવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ડરના માહોલમાં મહિલા પાસેથી વધુ નાણાં તેમજ સોનાની રુદ્રાક્ષની માળા, મંગળસૂત્ર, વીંટીઓ, હાર, બુટ્ટી, કડલી, પાટલા અને અન્ય કિંમતી દાગીના પણ કઢાવી લીધા હોવાનો આરોપ છે. મહિલાએ તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક શોષણ પણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
માનસિક, આર્થિક અને શારીરિક ત્રાસથી કંટાળેલી મહિલાએ આખરે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ઝડપી કાર્યવાહી કરતાં મુખ્ય આરોપી ટોનીશ ઉર્ફે જૈનીલ પડસાળા અને તેના સાગરીત આશિષ વેકરીયાની ધરપકડ કરી છે. હાલ બંને સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે