



પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.)સ્વતંત્રતા
દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા
શહેરના બિરલા હોલ ખાતે ભારતીય નૌકાદળના બેન્ડ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું
હતું. દેશભક્તિ, શૌર્ય અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી
ભરપૂર આ સંગીતમય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓના આગેવાનો અને
શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય
નૌકાદળના 29 જવાનો દ્વારા વિવિધ વાદ્યો સાથે સતત એક કલાક સુધી, દેશભક્તિના ગીતો અને
સંગીતની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. નૌકાદળના જવાનોની શિસ્તબદ્ધ અને મનમોહક
બેન્ડ પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ કાર્યક્રમમાં
પોરબંદર કલેક્ટર એસ.ડી. ધાનાણી, નેવી
કેપ્ટન સી.જી નાયર, કમાન્ડિંગ ઓફિસર, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન
તિવારી, પોરબંદરના પ્રથમ મેયર સાગરભાઈ મોદી, પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ
જાડેજા, ભાજપ શહેર પ્રમુખ લકીરાજસિંહ વાળા, લાખણશી ગોરાણીયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા
હતા.
દેશભક્તિના
ગીતોની સૂરાવલીઓ સાથે બિરલા હોલમાં સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી ગુંજી ઉઠ્યું
હતું. કાર્યક્રમના અંતે નેવી બેન્ડ ટીમના અદ્દભુત પ્રદર્શન બદલ પોરબંદરની તમામ
સંસ્થાઓ વતી જેસીઆઈના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણિયા, ચેમ્બર ઓફ કૉમર્સના નલિન કાનાણી અને
પરિમલ ઠક્કરાર દ્વારા, પૂજ્ય મહાત્મા ગાંધીનો ચરખો અર્પણ કરીને સન્માન કરવામાં
આવ્યું હતું.
નૌકાદળના જવાનોની સંગીતમય પ્રસ્તુતિને શહેરીજનોએ ઉત્સાહભેર વધાવી
હતી.આ રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલો ભારતીય નૌકાદળનો બેન્ડ
પરફોર્મન્સ કાર્યક્રમ પોરબંદરવાસીઓ માટે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની લાગણી જગાવતી
યાદગાર સાંજ બની રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya