

પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)પાટણમાં ABVP દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર ઝારખંડમાં પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધને કારણે યુનિવર્સિટી રોડ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો.
ઝારખંડમાં JPSC અને JSSC પરીક્ષાના પેપર લીકની ઘટનાઓ સામે છેલ્લા દસ દિવસથી ABVP દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. વિધાનસભા ઘેરાવ દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હોવાનો ABVPએ આક્ષેપ કર્યો છે.
આ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શનના ભાગરૂપે પાટણમાં પણ આંદોલન કરવામાં આવ્યું હતું. પાટણ વિભાગ સંયોજક રાહુલ દેસાઈએ આક્ષેપ કર્યો કે ઝારખંડ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા વિદ્યાર્થીઓ પર દમન કરી રહી છે.
ABVPએ પેપર લીક મામલે જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામાની માંગ કરી હતી. દરમિયાન ચક્કાજામને પગલે પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા 12 આંદોલનકારીઓની અટકાયત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ