




લોખંડનો વીજ પોલ તૂટી પડતા સીધો મારૂતિ સ્વિફ્ટ ગાડી ઉપર પડ્યો
સદનસીબે ગાડી ચાલક બચી ગયો પરંતુ સ્વિફ્ટ ગાડીને થયું ભારે નુકશાન
વર્ષોથી તારના આધારે ઊભો રહેલો પોલ તાર કાઢતા ઢળી પડ્યો હતો
ભરૂચ 13 ઓગસ્ટ (હિ.સ.)
અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ લાઈનનું કામ પૂર્ણ થતા લોખંડના થાંભલા ઉપર વીજ વાયરોનું કટીંગ કરવામાં આવતા વીજપોલ ધરાશાહી થયો હતો.
અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલી મહાશિવ હોટલ પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાયરોનું કટિંગ કરવાની કામગીરી દરમિયાન અચાનક લોખંડનો વીજપોલ ધરાશાહી થઈને પાર્ક કરેલી કાર પર પડ્યો હતો.
કારમાં બેઠેલા ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ
મહાશિવ હોટલ પાસે હાઈ ટેન્શન લાઇનના તાર કટિંગ કામગીરી દરમિયાન એકાએક વીજપોલ નમી તૂટી પડતા નીચે પાર્કિંગમાં પડેલી કાર પર આવી પડ્યો હતો. તે સમયે કારમાં ડ્રાઇવર હાજર હતો, પરંતુ સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, ભારે લોખંડનો પોલ પડવાને કારણે કારને મોટું નુકસાન પહોંચ્યું છે.
ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી
પ્રતિન હોટલ પાસેનો આ વિસ્તાર દરરોજ લોકોની અવરજવરથી ભરચક રહેતી હોય છે. ભરચક રસ્તા પર જ અચાનક લોખંડનો વીજપોલ ધરાશાહી થતાં જ આસપાસના લોકોમાં ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ