જામનગરમાં બેન્ક કર્મચારીઓ દ્વારા, બેન્ક બહાર ધરણા યોજાયાં : 5 દિવસ કામકાજ રાખવાની માંગ
જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : અઠવાડિયામાં પાંચ દિવસ બેન્કોનું કામકાજ રાખવાની માંગ સાથે યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ હેઠળની બેન્કોના કર્મચારીઓ દ્વારા જામનગરમાં આજે તા.12 ઓગસ્ટની સાંજે બેન્કોના કાર્યાલય સમય બાદ, સજુબા સ્કૂલ સામે આવેલી યુકો બેન્કની
બેંક કર્મચારીઓના ધરણા


જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) :

અઠવાડિયામાં પાંચ દિવસ બેન્કોનું કામકાજ રાખવાની માંગ સાથે યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ હેઠળની બેન્કોના કર્મચારીઓ દ્વારા જામનગરમાં આજે તા.12 ઓગસ્ટની સાંજે બેન્કોના કાર્યાલય સમય બાદ, સજુબા સ્કૂલ સામે આવેલી યુકો બેન્કની બહાર ધરણા યોજવામાં આવ્યાં હતાં.

બેન્ક કર્મચારીઓના જણાવ્યા મુજબ અગાઉ બેન્કોમાં સોમવારથી શુક્રવાર સુધી સંપૂર્ણ દિવસ તથા તમામ શનિવારે અડધો દિવસ કામકાજ કરવામાં આવતું હતું. વર્ષ 2015માં સરકાર અને ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન વચ્ચે થયેલી સમજૂતી બાદ બીજા અને ચોથા શનિવારને રજા જાહેર કરવામાં આવી હતી, જ્યારે બાકીના શનિવાર સંપૂર્ણ કામકાજના દિવસો રાખવામાં આવ્યા હતા.

દરમિયાન ડિજિટલ બેન્કિંગના વધતા વ્યાપને કારણે બેન્કની શાખાઓમાં ગ્રાહકોની અવરજવર ઘટી રહી હોવાથી અઠવાડિયામાં પાંચ દિવસ બેન્કિંગ કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. વર્ષ 2024ના વેતન સુધારા કરાર વખતે પણ અઠવાડિયામાં પાંચ દિવસ કામકાજ રાખવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેની અમલવારી નહીં થતાં બેન્ક કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ મુદ્દે હવે બેન્ક કર્મચારીઓ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. જામનગરમાં યોજાયેલા ધરણામાં ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના જોઈન્ટ સેક્રેટરી કુલીનભાઈ ધોળકિયા, મલય જોષી, મનોજ મહેતા સહિતના હોદ્દેદારો અને બેન્ક કર્મચારીઓ જોડાયા હતા.

બેન્ક કર્મચારીઓએ અગાઉ નક્કી થયેલા ફાઈવ-ડે વીકના નિર્ણયનો વહેલી તકે અમલ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી સરકાર અને સંબંધિત સત્તાધીશો સમક્ષ પોતાની માગણી રજૂ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande