

પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લા કલેક્ટર ડો. પ્રશાંત જીલોવાએ હારીજ નગરપાલિકા અને કસ્બા તલાટી કચેરીની અચાનક મુલાકાત લઈ દફતર તપાસણી કરી હતી. આ દરમિયાન નગરજનો, હિતરક્ષક સમિતિ, નગર વિકાસ કમિટી અને કોંગ્રેસના આગેવાનોએ ભૂગર્ભ ગટર, રોડ અને મીઠા પાણી સહિતની વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી.
ભીખુજી વાઘેલાએ ફેઝ-2ના કામો ઝડપી કરવા, ગટર ઉભરાવાની સમસ્યા દૂર કરવા તથા મીઠા પાણીની ચોરી બંધ કરવાની માંગ કરી હતી. ત્રણ દરવાજા વિસ્તારમાં અધૂરા રોડને કારણે પાણી ભરાવા અને મચ્છરોના ઉપદ્રવનો મુદ્દો પણ રજૂ થયો હતો.
નગર વિકાસ કમિટીના પુષ્પકભાઈ ખત્રી અને ડી.કે. ઠાકોરે, ગટર-પાણી ભરાવાથી રોગચાળાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ શહેર પ્રમુખ નીતિનભાઈ ઠક્કરે પમ્પિંગ સ્ટેશનની સમસ્યા અને અનેક વિસ્તારોમાં અનિયમિત મીઠા પાણી પુરવઠા અંગે રજૂઆત કરી હતી.
કલેક્ટરે તમામ રજૂઆતોની નોંધ લઈ પાલિકા કર્મચારીઓને સ્થળ પર જ તાત્કાલિક કામગીરી કરી સમસ્યાઓ ઉકેલવા અને ફોટા-વીડિયો અપલોડ કરવા સૂચના આપી હતી. મુલાકાતને પગલે પોલીસે બજારમાંથી અડચણરૂપ લારીઓ, ફેરિયાઓ અને વાહનો હટાવી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ