શ્રાવણ માસનો પ્રારંભ થતાં વડોદરામાં ભક્તિમય માહોલ, કુબેરેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો માનવ મહેરામણ
વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ વડોદરા શહેરમાં શિવભક્તિનો માહોલ છવાઈ ગયો છે. ભગવાન શિવજીને અતિપ્રિય એવા શ્રાવણ માસના પ્રથમ દિવસે જ માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં
શ્રાવણ માસ


શ્રાવણ માસ


વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ વડોદરા શહેરમાં શિવભક્તિનો માહોલ છવાઈ ગયો છે. ભગવાન શિવજીને અતિપ્રિય એવા શ્રાવણ માસના પ્રથમ દિવસે જ માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા.

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. આ સમગ્ર માસ દરમિયાન ભગવાન મહાદેવની વિશેષ પૂજા, રુદ્રાભિષેક અને જળાભિષેક કરવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન શિવને દૂધ, પંચામૃત, જળ અને બિલિપત્ર અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવી હતી.

કુબેરેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ લાંબી લાઈનમાં ઉભા રહી ભગવાન મહાદેવના દર્શન કરી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ હોવાથી આગામી સોમવાર સહિતના દિવસોમાં પણ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે તેવી શક્યતા છે. મંદિર પરિસરમાં પણ ભક્તોની સુવિધા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande