
પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના
કોલીખડાથી કાલાવડસુધીના માર્ગને નેશનલ હાઇવે-151 જાહેર કરવામાં આવ્યા બાદ જમીન સંપાદનનો મુદ્દો હવે ચર્ચામાં આવ્યોછે. હાઇવેના કામ માટે પોરબંદર જિલ્લાના બખરલા સહિત સાત ગામોના અંદાજે 150થી 175 જેટલા ખેડૂતોની
જમીન સંપાદન કરવામાં આવી
છે.
સરકાર દ્વારા સંપાદિત થનારી જમીનના બદલામાં જંત્રી મુજબ વળતર ચૂકવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જોકે, ખેડૂતો આ વળતરથી નારાજ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી જંત્રી મુજબની રકમ જમીનના વાસ્તવિક ભાવની સરખામણી એ ઘણી ઓછી છે. ખેડૂતોનું કહેવું છેકે જમીન સંપાદન દરમિયાન માત્ર ખેતીની જમીન જ નહીં, પરંતુ જમીન પર આવેલા મકાનો, દિવાલો અને અન્ય બાંધકામનો પણ સમાવેશ થાય છે.
આવી સ્થિતિમાં માત્ર જંત્રી મુજબનું વળતર પૂરતું ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.આ મુદ્દે બખરલા સહિત સાત ગામના ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો, ઉપસ્થિત રહ્યા હતા. બખરલા ગામના સરપંચ સહિતના આગેવાનોએ ખેડૂતોની રજૂઆતને આગળ ધપાવી હતી. ખેડૂતો દ્વારા જમીનના યોગ્ય મૂલ્યાંકન સાથે વધુ વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
ખેડૂતોનું કહેવું છે કે, નેશનલ હાઇવેનું કામ વિકાસની દૃષ્ટિએ મહત્વનું છે અને તેઓ વિકાસના કામનો વિરોધ કરતા નથી. જોકે, પોતાની વર્ષોની મહેનતથી ઊભી કરેલી જમીન સરકારના પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી રહી હોવાથી તેના બદલામાં, યોગ્ય અને પૂરતું વળતર મળવું જરૂરી છે. જમીન ઉપરાંત મકાન, દિવાલ અને અન્ય બાંધકામનું પણ યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.ખેડૂતોએ વધુમાં જણાવ્યું છેકે, જો સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો તેઓ પોતાની જમીન આપશે નહીં. આ મુદ્દે ખેડૂતોમાં એક જૂથતા જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં પણ સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
બીજી તરફ પોરબંદરના પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ નેશનલ હાઇવે- 151ને લઈને જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ અંગે સંબંધિત ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે.
સરકારના નિયમો મુજબ જંત્રીના આધારે વળતર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જોકે, ખેડૂતો દ્વારાઆ વળતર ઓછું હોવાનું જણાવી વધુ વળતરની માંગ કરવામાં આવીછે. ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ સમગ્ર મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેમ તંત્ર તરફથી જણાવાયું છે.
હવે સરકાર ખેડૂતોની માંગને ધ્યાનમાં લઈ વળતરની રકમમાં વધારો કરે છે કે, જંત્રી મુજબની પ્રક્રિયા જ આગળ ધપાવે છે તેના પર ખેડૂતોની નજર રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya