
ભાવનગર,13 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લંગાળા ગામેથી ઉમરાળા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ૨૧૨ નાની-મોટી બોટલો મળી કુલ રૂ.૬૯,૫૬૪નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરાળા પોલીસ સ્ટેશનના I/C પો.ઇન્સ. એચ.પી. બારડની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે લંગાળા ગામમાં ગોવિંદભાઈ દયાળભાઈ પરમારના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડતા વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી રોયલ સ્ટેગ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની ૬૦ બોટલ, રોયલ સ્ટેગની વધુ ૧૨ બોટલ, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની ૧૨ બોટલ, રોયલ ચેલેન્જની ૧૮૦ એમ.એલ.ની ૩૪ બોટલ, રોયલ સ્ટેગની ૧૮૦ એમ.એલ.ની ૪૦ બોટલ તેમજ બેગપાઇપર વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૫૪ બોટલ મળી કુલ ૨૧૨ બોટલો કબજે કરી હતી.
આ બનાવમાં લંગાળા ગામના ગોવિંદભાઈ દયાળભાઈ પરમારને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર ન મળતા તેની ધરપકડ બાકી છે. ઉમરાળા પોલીસે સમગ્ર મામલે પ્રોહિબિશનનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તેમજ દારૂના જથ્થા અંગે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA