
ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ વર્ષોની ગુલામીની ઝંઝીરોમાંથી મળેલી મોંઘેરી આઝાદીના અવસરની સ્મૃતિને પુનઃજીવીત કરતાં આજે ગીર સોમનાથ જિલ્લાના વડામથક એવા વેરાવળ ખાતે દેશભક્તિના રંગો વચ્ચે તિરંગાયાત્રા યોજાઈ હતી.
ડૉ.આંબેડકર ગાર્ડનથી યોજાયેલી આ યાત્રામાં દેશની આઝાદી કાજે ફના થનાર અનેક સ્વાતંત્ર્યવીરોના ત્યાગ, બલીદાન અને શહાદતને તેમની વેશભૂષાઓની ઝાંખી દ્વારા યાદ કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં 'મેરી જાન તિરંગા હૈ, મેરી શાન તિરંગા હૈ', 'મેરી જાન, મેરી શાન...હિંદોસ્તાન...', 'ભારત માતા કી જય' ના ગગનભેદી નારાઓ વચ્ચે દેશભક્તિનો માહોલ છવાયો હતો.
ડૉ.આંબેડકર પાર્કથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા, સટ્ટાબજાર, સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, મહાત્મા ગાંધી રોડ, શાકમાર્કેટ થઈ પરત ટાવરચોક ખાતે સંપન્ન થઈ હતી. આ તિરંગા યાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, ડૉ.બાબાસાહેબ આંબેડકર સહિતના મહાપુરુષો અને સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા ધારણ કરનાર ભૂલકાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં આદિત્ય બિરલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને સેન્ટ મેરી'ઝ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર બેન્ડની સૂરાવલીઓ ગુંજાવી હતી. આ કાર્યક્રમમાં વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું અને સેલ્ફી પોઈન્ટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
આઝાદીની લડતમાં શહીદ થયેલા જવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરતા યોજાયેલી આ તિરંગા યાત્રામાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, ચેરમેન ઉદયભાઈ શાહ, અગ્રણી સર્વ ઝવેરીભાઈ ઠકરાર, ડૉ સંજયભાઈ પરમાર સહિતના જનપ્રતિનિધિઓ, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, વિવિધ સમુદાયના સંગઠનો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ