
ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં દેશભક્તિના માહોલ વચ્ચે ‘હર ઘર તિરંગા’ અભિયાનને વેગ આપવા માટે સૂત્રાપાડા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જી.આર.ડી. તેમજ ટી.આર.બી.ના જવાનોએ ઉત્સાહભેર જોડાઈ દેશભક્તિનો સંદેશ આપ્યો હતો.
સૂત્રાપાડા પોલીસ સ્ટેશનથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાંથી પસાર થઈ ફરી સૂત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર યાત્રા દરમિયાન પોલીસ જવાનો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા અને તિરંગા પ્રત્યેનો આદર તથા દેશપ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
આ પ્રસંગે સૂત્રાપાડા પી.એસ.આઈ. લોહ સહિત પોલીસ સ્ટાફ, જી.આર.ડી. તથા ટી.આર.બી.ના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સ્ટાફની તિરંગા યાત્રાને પગલે શહેરમાં પણ દેશભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને માર્ગો પરથી પસાર થતી યાત્રાનું સ્થાનિક લોકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
‘હર ઘર તિરંગા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને લોકોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રત્યે ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. સૂત્રાપાડા પોલીસ દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રા પણ આ જ ભાવનાને લોકો સુધી પહોંચાડતી બની હતી.
તિરંગા યાત્રા દરમિયાન પોલીસ સ્ટાફે નાગરિકોને પણ અભિયાનમાં જોડાઈ પોતાના ઘર અને કાર્યસ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી. દેશભક્તિના નારા અને હાથમાં લહેરાતા તિરંગા સાથે યોજાયેલી આ યાત્રાએ સૂત્રાપાડા શહેરમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમનો માહોલ ઊભો કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ