કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી 'ગ્રામીણ જ્ઞાન સેતુ'નો પ્રારંભ કરાવ્યો
ગાંધીનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ગ્રામીણ વિસ્તારો માટે ''ગ્રામીણ જ્ઞાન સેતુ'' પ્રોજેક્ટનો બુધવારે પ્રારંભ કરાવ્યો છે. ગ્રામીણ ભારતના બાળકો અને યુવાનોને શાળા તેમજ ગામના મધ્યમાં જ
વચ્યુઅલ મધ્યમથી જોડાયેલા અમિત શાહ


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ગ્રામીણ વિસ્તારો માટે 'ગ્રામીણ જ્ઞાન સેતુ' પ્રોજેક્ટનો બુધવારે પ્રારંભ કરાવ્યો છે. ગ્રામીણ ભારતના બાળકો અને યુવાનોને શાળા તેમજ ગામના મધ્યમાં જ વાંચન માટે પ્રેરક વાતાવરણ પૂરું પાડવાની આ પહેલનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, યોગ્ય વાંચન અને સાચા ગ્રંથપાલના માર્ગદર્શનથી જ દેશ માટે જવાબદાર અને સક્ષમ નાગરિકોનું નિર્માણ શક્ય બને છે.

બાળકોને વાંચન તરફ વાળવા માટે લાઇબ્રેરીમાં મૂકવામાં આવેલા પુસ્તકોની પસંદગી કેન્દ્રીય ગૃહ મંત્રીએ જાતે કાળજીપૂર્વક કરી છે. આ અંગે વધુ જણાવતા તેમણે કહ્યું હતું કે, બાળકોમાં વાંચન પ્રત્યે રુચિ કેળવવા માટે અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગ અને સિંદબાદની સફર જેવી રસપ્રદ બાળવાર્તાઓથી શરૂઆત કરીને, ગુજરાત અને દેશનો ઇતિહાસ, ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓના અભ્યાસક્રમ આધારિત પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે, જે બાળકો વધુ વાંચન કરવા માંગે છે તેમના માટે ૨,૮૦,૦૦૦ પુસ્તકોનો વિશાળ સંગ્રહ ધરાવતી ૪ મુખ્ય લાઇબ્રેરીઓને ગામડાઓ સાથે જોડવામાં આવી છે. ઉપરાંત સાંસદ ગ્રાન્ટમાંથી ચાર વિશેષ વાન ફાળવવામાં આવી છે, જે દર ૧૫ દિવસે ગામડાઓમાં જઈને જૂના પુસ્તકો પાછા મેળવીને એપ દ્વારા ઓર્ડર કરાયેલા નવા પુસ્તકોની હોમ-ડિલિવરી આપશે.

અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું કે, માત્ર ૩ મહિનાના ટૂંકા ગાળામાં જ આ વિચારને વાસ્તવિકતામાં બદલીને ૭૫૨ જેટલી લાઇબ્રેરીઓને આ એપ સાથે જોડી દેવામાં આવી છે. સાથોસાથ સસ્તુ સાહિત્ય મંડળ, ગીતા પ્રેસ, ભૂપેન હઝારીકા સંસ્થાન અને તિરુવલ્લુવર સંસ્થાન જેવા નામાંકિત સંસ્થાઓના સાહિત્યને ડિજિટલ માધ્યમથી જોડવાના પ્રયાસો ચાલુ છે.

પોતાના બાળપણના સંસ્મરણો વાગોળતા અમિત શાહે જણાવ્યું કે, તેમને નાનપણમાં પડેલી વાંચનની આદત આગળ જતાં અભ્યાસ અને દેશસેવા માટે યોગદાન આપવાની ક્ષમતામાં પરિણમી છે. તેમણે રાજ્યની ગૃહિણીઓ તથા વાલીઓને પોતે વાંચનની ટેવ પાડવા અને બાળકોને પણ પુસ્તકો તરફ વાળવાની અપીલ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે,‘ગ્રામીણ જ્ઞાન સેતુ’ પ્લેટફોર્મને જ્ઞાનને ગામ સુધી લઈ જઈને, ટેકનોલોજીને શિક્ષણ સાથે જોડવાનો અને ગ્રામ્ય યુવાનોના સપનાઓને નવી પાંખ આપવાનો સંકલ્પ ગણાવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમતિભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગરના ટાઉનહોલમાં યોજાયેલા ‘ગ્રામીણ જ્ઞાન સેતુ’ પ્લેટફોર્મ લોકાર્પણ અવસરે રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ દિવસ પુસ્તકો અને પુસ્તકાલયની સાથે જ્ઞાનની શક્તિ અને જ્ઞાનના અધિકારની સ્મૃતિ તાજી કરાવે છે.

આ દિવસ પુસ્તકાલય ચળવળના મહાન યોગદાનને યાદ કરવાનો અવસર છે. પુસ્તકાલયની સાચી સફળતા તેના મકાનની ભવ્યતા નહિં, પરંતુ તેના દરવાજે પહોંચતા વાચકોની સંખ્યા છે એવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીશ્રીએ આ પ્રંસગે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘ગ્રામીણ જ્ઞાન સેતુ’ પ્લેટફોર્મની આ પહેલનો સૌથી મોટો લાભ યુવાશક્તિને મળવાનો છે. આજના ડિજિટલ યુગમાં પુસ્તકાલય દરેક ગ્રામીણ યુવાઓની આંગળીના ટેરવે આવી ગયું છે. હવે ગામડાઓ ગ્લોબલ બન્યા છે ત્યારે જ્ઞાન માટે પુસ્તકાલય સુધી જવામાં મુક્તિ આપવામાં ‘ગ્રામીણ જ્ઞાન સેતુ’ પ્લેટફોર્મ મહત્વપૂર્ણ પગલું બનશે.

તેમણે કહ્યું હતું કે, ગાંધીનગરમાં અતિ આધુનિક 'નમો સેન્ટ્રલ લાઇબ્રેરી'ની સ્થાપના માટે રૂ. 100 કરોડની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. આ ઉપરાંત, આદિજાતિ વિસ્તારના તમામ તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરીઓ સ્થાપવાના આયોજનરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં આવી લાઇબ્રેરીઓ ઊભી કરવાનો સરકારનો નિર્ધાર છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના પુસ્તકાલયોને ડિજિટલ નેટવર્ક સાથે જોડવામાં આવી રહ્યા છે. ગ્રામીણ જ્ઞાન સેતુ પ્લેટફોર્મ ગામને શહેર સાથે જોડશે, વાચકને પુસ્તકાલય સાથે જોડશે, વિદ્યાર્થીને જ્ઞાન સાથે જોડશે, અને પરંપરાગત પુસ્તકાલયને ડિજિટલ યુગ સાથે જોડશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્ઞાન શક્તિને શિક્ષણ, કુશળતા, સંશોધન, નવીનતા અને વૈચારિક ક્ષમતાની શક્તિ કહી છે. તેમણે વડાપ્રધાન તરીકે દેશનું સેવાદાયિત્વ સંભાળ્યા પછી ડિજિટલ ભારતને વેગ આપીને નોલેજ બેઝ્ડ ઈકોનોમી પર ફોકસ કરવાની સાથે નેશનલ મિશન ઓન લાઈબ્રેરીઝ અતંર્ગત લાઈબ્રેરીઓને ડિજિટલ કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગામડાના યુવાનો અને બાળકોને જ્ઞાનસભર વાંચન ઘર આંગણે જ મળે, યુવાઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીનું અનુકૂળ વાતાવરણ મળે અને ડિજિટલ જ્ઞાન છેક ગામડા સુધી પહોંચે તે માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ પ્રેરણા આપતા રહ્યા છે.

એટલું જ નહિ, લોકોમાં વાંચન તથા જ્ઞાન વારસો જળવાઈ રહે અને રાષ્ટ્રનિર્માણ માટેના સંસ્કાર સિંચન કરતું ઉત્તમ સાહિત્ય વાંચવા મળે તેવો સંકલ્પ તેમણે સસ્તુ સાહિત્ય મુદ્રણાલયના પ્રમુખ તરીકે કર્યો છે તેની સરાહના પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિકસિત ભારત 2047’નો સંકલ્પ આપ્યો છે તેમાં માનવસંપદાને સૌથી મોટી શક્તિ ગણાવી છે. આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યાં છીએ. જ્યારે દરેક બાળક શિક્ષિત હશે, દરેક યુવાન કુશળ હશે, દરેક નાગરિક જ્ઞાનથી સશક્ત હશે અને દરેક ગામમાં વિકાસની તક હશે ત્યારે જ વિકસિત ગુજરાત બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ગ્રામીણ જ્ઞાનસેતુ પ્લેટફોર્મના ઈ-લોકાર્પણ પ્રસંગે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખટાલે, મ્યુનિસિપલ કમિશ્નર જે. એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ, ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશભ જહા, ઇન્ફ્લિબનેટ સેન્ટરના ડાયરેક્ટર પ્રોફેસર દેવિકા મડલી, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં આચાર્યો શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande