જામનગરમાં તિરંગાના રંગે ઝળહળ્યાં ઐતિહાસિક ધરોહરો ભૂજિયા કોઠા અને રણમલ તળાવ
જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને લઈ સમગ્ર દેશની સાથે જામનગર શહેર-જિલ્લામાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરમાં તિરંગા યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે
તિરંગા રંગથી ઝળહળી ઉઠ્યા ઐતિહાસિક સ્થળો


જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને લઈ સમગ્ર દેશની સાથે જામનગર શહેર-જિલ્લામાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરમાં તિરંગા યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે જામનગરની ઐતિહાસિક ધરોહરોને પણ તિરંગાના રંગે શણગારવામાં આવી છે.

જામનગર શહેરનો ઐતિહાસિક ભૂજિયો કોઠો, જેનું તાજેતરમાં રેસ્ટોરેશન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યા બાદ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે, તેને જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગાની થીમ પર શણગારવામાં આવ્યો છે. બુધવારની રાત્રે તિરંગા રંગની રોશનીથી ભૂજિયો કોઠો ઝળહળી ઉઠ્યો હતો. રાત્રિના અંધકારમાં કેસરી, સફેદ અને લીલા રંગની લાઇટોથી સજ્જ ઐતિહાસિક કોઠો દૂરથી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

આ ઉપરાંત જામનગરના ઐતિહાસિક રણમલ તળાવને પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગાની થીમ પર રોશનીથી શણગારવામાં આવ્યું છે. તળાવની ફરતે ગોઠવવામાં આવેલી વિવિધ રંગબેરંગી લાઇટો વચ્ચે તિરંગા રંગની રોશનીથી સમગ્ર રણમલ તળાવ પરિસરનો નજારો મનમોહક બની ગયો હતો.

ખાસ કરીને તિરંગા રોશનીનો પ્રકાશ જ્યારે રણમલ તળાવની જળરાશિ પર પડતો હતો ત્યારે પાણીમાં કેસરી, સફેદ અને લીલા રંગનું સુંદર પ્રતિબિંબ જોવા મળતું હતું. તિરંગાના રંગોથી ઝળહળતું તળાવ અને તેની પૃષ્ઠભૂમિમાં ઐતિહાસિક ધરોહરોનો નજારો શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અનેક શહેરીજનોએ આ સુંદર અને દેશભક્તિથી ભરપૂર નજારો નિહાળી તસવીરો પણ પોતાના મોબાઇલ કેમેરામાં કંડારી હતી.

આમ, સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે જામનગર શહેરની ઐતિહાસિક ધરોહરો તિરંગાના રંગે ઝળહળી ઊઠતાં શહેરમાં દેશભક્તિનો માહોલ વધુ ગાઢ બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande