
કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) : ભચાઉ પોલીસને નાસતા ફરતા આરોપીઓ સામેની કાર્યવાહીમાં વધુ એક સફળતા મળી છે. પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા ૧૫ મહિનાથી પોલીસથી બચીને ફરતા આરોપીને ભચાઉ પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ કચ્છ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી પકડી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશન સંબંધિત ગુનામાં છેલ્લા ૧૫ મહિનાથી નાસતો ફરતો આરોપી અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ૨૩ વર્ષીય અમીરાજસિંહ જાડેજા મૂળ રાપર તાલુકાના મોટી રવ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને ત્યારથી તે પોલીસની પકડથી દૂર રહ્યો હતો.
પોલીસે બાતમી તથા ટેકનિકલ અને માનવીય સ્ત્રોતોની મદદથી આરોપીની હિલચાલ અંગે માહિતી મેળવી તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આરોપીની ધરપકડ બાદ તેની સામે પ્રચલિત કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવતા પોલીસની નાસતા ફરતા આરોપીઓ સામેની કામગીરીને વધુ એક સફળતા મળી છે. ભચાઉ પોલીસે જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા આરોપીઓ સામે કાર્યવાહી વધુ સઘન બનાવવાના સંકેત આપ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar