
કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) : મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાને અંજામ આપ્યા બાદ ભુજમાં આવીને છુપાયેલા બે આરોપીઓને ભુજ શહેર બી ડિવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવ્યા છે.
પશ્ચિમ કચ્છમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શરીર અને મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુડા અને નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસે પણ ગુનાહિત પ્રવૃત્તિઓ સામે વોચ વધુ સઘન બનાવી છે.
દરમિયાન મહારાષ્ટ્ર પોલીસની એક ટીમ ગુનાની તપાસના અનુસંધાને ભુજ ખાતે પહોંચી હતી. નાલાસોપારા પોલીસ સ્ટેશનના મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર રમેશ વાઘચીરે દ્વારા ભુજ શહેર બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ગુનો કર્યા બાદ ભુજમાં આશ્રય લઈ રહ્યા હોવાની માહિતી સામે આવી હતી.
માહિતીના આધારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ એલ. મકવાણા અને પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ જે. કરમટાએ માનવ સ્રોતો પાસેથી મળેલી માહિતી તેમજ ટેકનિકલ સહાયનો ઉપયોગ કરીને આરોપીઓનું ચોક્કસ લોકેશન મેળવવા માટે તપાસ હાથ ધરી હતી. સતત પ્રયાસો બાદ બંને શખ્સોને ભુજમાંથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ આઝીઝ શાહગીર મોહમ્મદ શેખ અને આજીમ શાહગીર મોહમ્મદ શેખ, બંને નાલાસોપારા, મુંબઈ, મહારાષ્ટ્રના રહેવાસી તરીકે થઈ છે. બંને આરોપીઓ વિરુદ્ધ નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની વિવિધ કલમો તથા મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
ભુજ શહેર બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓને મહારાષ્ટ્ર પોલીસને હસ્તગત કરતાં હવે નાલાસોપારા પોલીસ દ્વારા સમગ્ર ગુનાની આગળની તપાસ હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. હેરમાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar