
કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં વધુ એક ગણનાપાત્ર કેસ સામે આવ્યો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ગુપ્ત ખાનાઓ બનાવી ઇનોવા કારમાં છુપાવીને લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 40 પેટી દારૂ, ઇનોવા કાર અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.13.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, ગાંધીધામ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાએ સ્ટાફને અસરકારક કાર્યવાહી માટે સૂચના આપી હતી.
આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે માહિતી એકત્ર કરી રહ્યો હતો. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુડ સાઇડ પુલિયા તરફ આવી રહેલી ઇનોવા કાર નંબર GJ-05-RU-4955ને અટકાવી, પોલીસે તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારની અંદર અલગ અલગ બેગમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત કારમાં ખાસ રીતે બનાવવામાં આવેલા ગુપ્ત ખાનાઓમાંથી પણ દારૂની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે કારમાંથી ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હીસ્કીની 180 એમએલની 960 પ્લાસ્ટિક બોટલો તેમજ 8 PM સ્પેશિયલ 22 વ્હીસ્કીની 180 એમએલની 960 બોટલો મળી કુલ 40 પેટી વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. દારૂની કુલ કિંમત રૂ.2.88 લાખ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રૂ.10 લાખની ઇનોવા કાર અને રૂ.60 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.13.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે આ કેસમાં, રાજસ્થાનના જાલોર જિલ્લાના જેરોલ ગામના 24 વર્ષીય ભાવેશ બાબુલાલ નાઈ અને પુનાસા ગામના 31 વર્ષીય સુરેશકુમાર ભીખારામ બિશ્નોઈની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અંજારના નટુ ઠાકોર તથા નટુ ઠાકોર મારફતે સંપર્કમાં આવેલા દારૂનો જથ્થો મંગાવનાર અન્ય શખ્સની શોધખોળ હજુ ચાલુ છે.
આ સમગ્ર કાર્યવાહી ગાંધીધામ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન. વાઢીયા, એન.બી. બાંભા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ સામે પ્રોહિબિશનની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar