₹1 હજારની લાંચ લેતાં સેલારીની મહિલા તલાટી ACBના છટકામાં રંગેહાથ ઝડપાઈ
કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યૂરોએ કાર્યવાહી વધુ તેજ બનાવી છે. રાપર તાલુકાની સેલારી જૂથ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતી મહિલા તલાટી-કમ-મંત્રીએ પંચાયતની કામગીરી માટે લાંચ માગ્યાની ફરિયાદ બાદ ACBએ ગોઠવેલ
લાંચ કેસમાં પકડાયેલ મહિલા તલાટી


કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યૂરોએ કાર્યવાહી વધુ તેજ બનાવી છે. રાપર તાલુકાની સેલારી જૂથ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતી મહિલા તલાટી-કમ-મંત્રીએ પંચાયતની કામગીરી માટે લાંચ માગ્યાની ફરિયાદ બાદ ACBએ ગોઠવેલા છટકામાં તેને રંગેહાથ ઝડપી પાડવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સેલારી જૂથ ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવતા અલ્પાબેન ડી/ઓ રમેશભાઈ પટેલ સામે પંચાયતને લગતી વિવિધ કામગીરી માટે નાણાં લેવાની ફરિયાદો ACB સુધી પહોંચી હતી. નોંધપાત્ર બાબત એ છે કે નોંધો પાડવા, વેરો ભરવા સહિતની સામાન્ય સરકારી કામગીરી માટે અરજદારો પાસેથી રૂપિયા 200થી લઈને રૂપિયા 5 હજાર સુધીની રકમ માગવામાં આવતી હોવાની રજૂઆતો ACBને ખાનગી રાહે મળી હતી.

આ ફરિયાદોની હકીકત ચકાસવા માટે ACB દ્વારા એક જાગૃત નાગરિકને સાથે રાખીને છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદી હયાતીના હક્કની નોંધ પાડવાની કામગીરી માટે તલાટીનો સંપર્ક કરે તેવું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન અલ્પાબેન પટેલે નોંધ પાડવાની કામગીરીના બદલામાં રૂપિયા 1 હજારની લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ ACBની ટીમે સરકારી પંચોની હાજરીમાં સેલારી ગ્રામ પંચાયત કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. નક્કી કરાયેલી રકમ સ્વીકારતા જ અલ્પાબેન પટેલ ACBના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ઘટનાને પગલે પંચાયત કચેરીમાં પણ ચકચાર મચી ગઈ હતી.

આ સમગ્ર કાર્યવાહી ACB બોર્ડર યુનિટના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ તથા રાજકોટના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ સ્થિત પૂર્વ કચ્છ ACB પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. ચૌધરી અને તેમની ટીમે હાથ ધરી હતી.

અલ્પાબેન પટેલ મૂળ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુવાડી ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં રાપરમાં અયોધ્યાપુરી નજીક રહે છે.

કચ્છમાં લાંચિયા કર્મચારીઓ સામે ACBની કાર્યવાહી વચ્ચે આ કેસને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. થોડા દિવસ અગાઉ, 30 જુલાઈના રોજ ભુજ શહેરની મામલતદાર કચેરીમાં પણ ACBએ કાર્યવાહી કરી હતી અને રૂપિયા 35 હજારની લાંચ લેતા રેવન્યૂ તલાટી ચંદુ ગેલાભાઈ હરણને ઝડપી પાડ્યો હતો. સતત થઈ રહેલી આવી કાર્યવાહીએ સરકારી કચેરીઓમાં ગેરકાયદેસર વસૂલાત કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande