
ભાવનગર,13 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા લર્નિંગ લાયસન્સ સંબંધિત વિવિધ સેવાઓ હવે ફેસલેસ અને નોન-ફેસલેસ પદ્ધતિથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નવી વ્યવસ્થાના કારણે અરજદારોને લર્નિંગ લાયસન્સમાં જરૂરી ફેરફારો અને અન્ય સેવાઓ મેળવવામાં વધુ સરળતા રહેશે.
આ અંતર્ગત લર્નિંગ લાયસન્સમાં સરનામું બદલવા, નામમાં ફેરફાર કરવા, ફોટો અને સહીમાં ફેરફાર કરવા, ડુપ્લિકેટ લર્નિંગ લાયસન્સ મેળવવા તેમજ લર્નિંગ લાયસન્સનો એક્સ્ટ્રેક્ટ મેળવવા જેવી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ રહેશે.
આ સેવાઓનો લાભ લેવા માટે અરજદારે આધાર ઓથેન્ટિકેશન અથવા મોબાઇલ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. આધાર આધારિત ફેસલેસ અરજીમાં જરૂરી દસ્તાવેજોની ચકાસણી ઓનલાઈન કરવામાં આવશે. જેના કારણે અરજદારે સામાન્ય પ્રક્રિયા માટે આર.ટી.ઓ. કચેરીની મુલાકાત લેવાની જરૂરિયાત ઓછી થશે.
જ્યારે નોન-ફેસલેસ પદ્ધતિ હેઠળ અરજી કરનાર અરજદારે જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે સંબંધિત આર.ટી.ઓ. કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. બંને પદ્ધતિમાં અરજદારો પોતાની જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે સેવાનો લાભ લઈ શકશે.
લર્નિંગ લાયસન્સ સંબંધિત આ સેવાઓ માટે રૂ. ૨૦૦ની ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે લર્નિંગ લાયસન્સ એક્સ્ટ્રેક્ટ મેળવવા માટે રૂ. ૨૫ની ફી ચૂકવવાની રહેશે. ઓનલાઈન સેવાઓ શરૂ થવાથી લાયસન્સ સંબંધિત કામગીરી વધુ સરળ અને ઝડપી બનવાની શક્યતા છે.
ભાવનગર આર.ટી.ઓ. દ્વારા લર્નિંગ લાયસન્સમાં ફેરફાર અથવા અન્ય સેવા મેળવવા ઈચ્છતા અરજદારોને આ સુવિધાનો લાભ લેવા જણાવાયું છે. વધુ માહિતી અને પ્રક્રિયા અંગે નજીકની આર.ટી.ઓ. કચેરીનો સંપર્ક કરી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA