મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને ‘રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિ’ની ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ
- પ્રાપ્ત 289 અરજીઓમાંથી 3 કેટેગરીમાં કુલ 32 પારિતોષિકોની વર્ષવાર પસંદગી કરવામાં આવી ગાંધીનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : દિવ્યાંગજનોને રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે પ્રોત્સાહિત કરી તેમને આત્મનિર્ભર બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ વેગ આપવા માટે ‘રાજ્ય
ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ


- પ્રાપ્ત 289 અરજીઓમાંથી 3 કેટેગરીમાં કુલ 32 પારિતોષિકોની વર્ષવાર પસંદગી કરવામાં આવી

ગાંધીનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : દિવ્યાંગજનોને રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે પ્રોત્સાહિત કરી તેમને આત્મનિર્ભર બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ વેગ આપવા માટે ‘રાજ્ય દિવ્યાંગ પારિતોષિક યોજના’ અમલમાં છે. આ યોજના અંતર્ગત રોજગાર કે સ્વરોજગાર કરતા દિવ્યાંગજનો તથા દિવ્યાંગ કર્મચારીઓને રોજગારીની તકો પૂરી પાડતા નોકરીદાતાઓ અને પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાએ વાર્ષિક પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ 2022, 2023 અને 2024 માટે પ્રાપ્ત થયેલી દિવ્યાંગ પારિતોષિકની અરજીઓમાંથી યોગ્ય ઉમેદવારોની આખરી પસંદગી કરવા માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ‘રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિ’ની અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી તથા બિનસરકારી સભ્યો સહિત કુલ 13 સભ્યોની પસંદગી સમિતિ દ્વારા અરજીઓની વિગતવાર ચકાસણી અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ બેઠક અંગેની વિગતો આપતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2022થી 2024 દરમિયાન મળેલી કુલ 289 અરજીઓ પૈકી પાત્ર ઉમેદવારોની પસંદગી અંગે સમિતિ સમક્ષ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નોકરીદાતાઓની કેટેગરીમાં જાહેર તથા ખાનગી ક્ષેત્ર મળીને કુલ 08 પારિતોષિક, રોજગાર કે સ્વરોજગાર કરતાં દિવ્યાંગજનો માટે જાહેર તથા ખાનગી ક્ષેત્ર મળીને કુલ 23 પારિતોષિક અને પ્લેસમેન્ટ ઓફિસર માટે 01 પારિતોષિક એમ કુલ 32 પારિતોષિકોની વર્ષવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય કક્ષાની આ પારિતોષિક યોજના હેઠળ દિવ્યાંગતાના પ્રકાર અને કક્ષાને ધ્યાને લઈને મુખ્યત્વે 03 કેટેગરીમાં કુલ 32 પારિતોષિક એનાયત કરવામાં આવશે. જેમાં ઉત્કૃષ્ટ નોકરીદાતાઓને શીલ્ડ અને પ્રમાણપત્ર, રોજગાર કે સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓને રૂ. 10,000 નું પ્રોત્સાહન તથા પ્રમાણપત્ર, જ્યારે પ્લેસમેન્ટ ઓફિસરને શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે.

બેઠક દરમિયાન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સચિવ શ્રી લોચન સેહરા, શ્રમ આયુક્ત કે.ડી. લાખાણી, રોજગાર અને તાલીમ નિયામક એ.કે.વસ્તાણી સહિત અન્ય સરકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બિનસરકારી સભ્યો તરીકે પ્રવીણભાઈ ઘોળકિયા, કુ. કૌશલ્યા કુંવરબા વી. પરમાર તથા કાંતિભાઈ આર. પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande