શેરખી રેલવે ગરનાળું બન્યું જોખમી, વરસાદી પાણી અને મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન
વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) : વરસાદ શરૂ થતાં જ શહેર અને આસપાસના વિસ્તારોમાં રસ્તાઓની બિસ્માર હાલત સામે આવવા લાગી છે. શેરખી સ્થિત ગાયત્રી આશ્રમ તરફ જવાના માર્ગ પર આવેલા રેલવે ગરનાળા પાસે વરસાદી પાણી ભરાઈ જતાં અને રસ્તા પર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકો
ગરનાડુ


વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) : વરસાદ શરૂ થતાં જ શહેર અને આસપાસના વિસ્તારોમાં રસ્તાઓની બિસ્માર હાલત સામે આવવા લાગી છે. શેરખી સ્થિત ગાયત્રી આશ્રમ તરફ જવાના માર્ગ પર આવેલા રેલવે ગરનાળા પાસે વરસાદી પાણી ભરાઈ જતાં અને રસ્તા પર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

રેલવે ગરનાળા પાસે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાઈ રહે છે. બીજી તરફ રસ્તા પર પડેલા ઊંડા ખાડાઓના કારણે વાહનચાલકો માટે પસાર થવું મુશ્કેલ બન્યું છે. પાણી અને ખાડાની ગંભીર સ્થિતિને કારણે વાહનચાલકો માર્ગની માત્ર એક તરફથી પસાર થવા એટલે કે વન-વે જેવી સ્થિતિમાં વાહન ચલાવવા મજબૂર બન્યા છે. આ સ્થિતિના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે પાણીમાં ખાડાની ઊંડાઈનો અંદાજ ન આવતા દુર્ઘટનાની શક્યતા વધુ વધી જાય છે.

સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા નવી નથી અને દર ચોમાસામાં અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જો તંત્ર દ્વારા રેલવે ગરનાળામાંથી વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને રસ્તા પર પડેલા ખાડાઓનું ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે તો વાહનચાલકોને મોટી રાહત મળી શકે છે.

હવે જોવાનું એ રહેશે કે અકસ્મત થાય તે પહેલાં તંત્ર જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જ કાર્યવાહી કરવામાં આવશે? સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ અને રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande