



વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) : ભક્તિ અને આસ્થાના પર્વ એવા દશામાંના પર્વનો પ્રારંભ થતાં જ વડોદરા શહેરમાં માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ અનેક ઘરોમાં ભક્તો દ્વારા મા દશામાની પ્રતિમાની સ્થાપના કરી આગામી દસ દિવસ સુધી પૂજા-અર્ચના કરવામાં આવશે.
દશામાંના પર્વના અંતિમ દિવસે માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હોય છે. મોટી સંખ્યામાં પ્રતિમાઓનું વિસર્જન થતું હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ 9 જેટલા કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓને પ્રતિમા વિસર્જન માટે યોગ્ય અને સુરક્ષિત વ્યવસ્થા મળી રહે.
મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવોમાં તરસાલી, મકરપુરા, માંજલપુર, લેપ્રસી ગ્રાઉન્ડ, કિશનવાડી, હરણી કુંડ, ભાયલી સહિતના વિસ્તારોમાં આવેલા કૃત્રિમ તળાવોનો સમાવેશ થાય છે. દશામાંની પ્રતિમાઓનું વિસર્જન આ કૃત્રિમ તળાવોમાં જ કરવામાં આવે તે માટે તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે, દશામાંની પ્રતિમાના વિસર્જન પહેલા તમામ કૃત્રિમ તળાવોમાં પૂરતું પાણી ભરવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ તળાવોની આસપાસના રસ્તાઓ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ પણ સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે.
દશામાં વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની શક્યતા હોવાથી સ્વચ્છતા, સુરક્ષા, ટ્રાફિક અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ પણ સુચારૂ રીતે કરવામાં આવશે.
આમ, દશામાંના પર્વને લઈને વડોદરા શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે મનપા દ્વારા પણ પ્રતિમા વિસર્જન માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ