વડોદરામાં નવી સિટી ઈ-બસોની શરૂઆત છતાં કકળાટ, જૂની બસોમાં ઓવરલોડિંગથી મુસાફરો પરેશાન
વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા શહેરમાં એક તરફ નવી ઈ-બસો શરૂ કરીને જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ જૂની સિટી બસોમાં ઓવરલોડિંગના કારણે મુસાફરોની હાલાકી સામે આવી છે. સ્ટેશનથી કેલનપુર રૂ
સિટી બસ


વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા શહેરમાં એક તરફ નવી ઈ-બસો શરૂ કરીને જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ જૂની સિટી બસોમાં ઓવરલોડિંગના કારણે મુસાફરોની હાલાકી સામે આવી છે. સ્ટેશનથી કેલનપુર રૂટ પર દોડતી સિટી બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાતા હોવાનો આક્ષેપ છે. બસમાં મુસાફરોને ઘેટા-બકરાની જેમ ભરવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભીડથી નારાજ એક મહિલા મુસાફરે બસમાં જ હોબાળો મચાવ્યો હતો.

પરિસ્થિતિ એટલી ગંભીર બની કે રાવપુરા નજીક મુસાફરોએ બસ રોકી વિરોધ અને હોબાળો કર્યો હતો. મુસાફરોનો આક્ષેપ છે કે બસમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવામાં આવતા મુસાફરી દરમિયાન અકસ્માતનો ભય રહે છે. એક તરફ ટ્રાફિક અને RTOના નિયમોનું પાલન કરાવવાની વાત કરવામાં આવે છે, તો બીજી તરફ જાહેર પરિવહનની બસોમાં જ ઓવરલોડિંગના નિયમોના લીરેલીરા ઉડતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

મુસાફરોનો સવાલ છે કે જો નવી ઈ-બસો શરૂ કરવામાં આવી રહી છે તો જૂની બસોમાં આવી રીતે ભીડ શા માટે ભરવામાં આવે છે? વિનાયક સિટી બસ સેવા અને સંબંધિત તંત્ર મુસાફરોની સુરક્ષા માટે ક્યારે કડક કાર્યવાહી કરશે? હવે જોવાનું એ રહેશે કે આ ઘટનાને પગલે તંત્ર દ્વારા બસ સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી મુસાફરોની ફરિયાદો માત્ર હોબાળા પૂરતી જ સીમિત રહી જાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande